જામનગર તાલુકાના દરેડ ગામમાં ઈકો કાર થોડી આગળ લેવાનું કહેતાં ત્રણ શખ્સોએ પિતા-પુત્ર ઉપર લોખંડના પાઈપ અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં મહાદેવના મંદિર પાછળ રહેતાં અને ડ્રાઈવિંગ કરતા પાલાભાઈ ભીખાભાઈ રાડા નામના પ્રૌઢ તેનો આઈસર ટ્રક ચલાવી રાંદલ માતાજીના મંદિર પાસેથી સોમવારે બપોરના સમયે પસાર થતા હતાં તે દરમિયાન આગળ રહેલી ઈકો કારના ચાલકને કાર થોડી આગળ લેવાનું કહેતાં શકિતસિંહ પ્રભાતસિંહ જાડેજા, હિતેશ પીંગળ નામના બે શખ્સોએ પ્રૌઢને ગાળો કાઢી લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તે દરમિયાન પ્રૌઢ ચાલકનો પુત્ર હાર્દિક અને શકિતસિંહના કાકા ભગીરથસિંહ જાડેજા સ્થળ પર પહોંચી જતા શકિતસિંહ સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી પાલાભાઈ અને તેના પુત્ર હાર્દિક સાથે બોલાચાલી કરી લોખંડના પાઈપ વડે તથા ઢીકાપાટુ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે પાલાભાઈના નિવેદનના આધારે કાકા-ભત્રીજા સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.