જોડિયા તાલુકાના મફતિયાપરામાં ઘર પાસેથી નિકળવા બાબતે થયેલી બોલાચાલીમાં દેરાણી-જેઠાણી સહિત ત્રણ લોકો ઉપર હુમલો કર્યાની મહિલા સહિત બે શખ્સો સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ જોડિયા ગામના મફતિયા પ્લોટ વિસ્તારમાં રહેતાં મુબારકભાઈ ઈબ્રાહિમભાઈ મહુરના પત્ની નસરીમબેન તથા ફરિયાદીના ભાભી સારમિનબેન જોડિયા બજારમાંથી હટાણુ કરીને ઘરે પાછા ફરતા હતાં ત્યારે આરોપીના ઘર પાસેથી નિકળતા આરોપી મહિલા જીનતબેન અનવરભાઈ રાધા એ કોઇકારણ વગર અપશબ્દો બોલી ફરિયાદીના પત્નીને ફડાકા તથા ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. જે અંગે સમજાવવા જતા તેમના સમાજના આગેવાનોની હાજરીમાં વાતચીત ચાલુ હતી ત્યારે આરોપી રમઝાન અનવર રાધા અચાનક ઉશ્કેરાઈ જઈ લોખંડનો પાઈપ ફરિયાદીને મારી ઈજા પહોંચાડી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે મુબારકભાઈ દ્વારા પોલીસમાં જીન્નતબેન અને રમઝાન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા સહિત બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


