જામનગર જિલ્લાના પડાણા ગામ નજીક ખાનગી કંપનીમાં કર્મચારીઓને રાખવા માટે કંપનીના માલિક ઉપર લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી કર્મચારીઓને કામ વગર જ પગાર કરવો પડશે તેમ જણાવી અપશબ્દો બોલી ધમકી આપ્યાની એક શખ્સ વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના પડાણા ગામ પાસે સી.આર. એશિયા નામની કંપનીના માલિક સુભાકાંત શીવલાલ જના નામના યુવાનને શુક્રવારે બપોરના સમયે પડાણા ગામના યશપાલસિંહ વિજયસિંહ જાડેજા નામના શખ્સે આંતરીને મારી નાખવાના ભયમાં મૂકી ફડાકા મારી અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. અને સુભાકાંતને કહ્યું હતું કે, ‘મારા માણસોને કામ ઉપર રાખવા જ પડશે તેમજ માણસો કામ નહીં કરે તેમ છતા પગારના પૈસા પેટે ખંડણીની માંગણી કરી પતાવી દેવાની ધમકી પણ આપી હતી.’ હુમલાના બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે યશપાલસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.