જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં સીમમાં વિસ્તારમાં આવેલા ખેતરમાં ચાર શખ્સોએ આવી યુવાન ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના અમરાપર ગામની સીમમાં આવેલા ખેતરમાં રામદે ઓધડભાઇ ખુંટી (ઉ.વ.58) નામના પ્રૌઢ મંગળવારે સવારના સમયે ખેતીકામ કરતા હતાં તે દરમિયાન કારા ગાંગા જોગ, નેભા કારા જોગ, ગોવા જેઠા સહિતના ચાર શખ્સો ખેતરમાં આવ્યા હતાં જેથી પ્રૌઢે કહ્યું કે, ‘મારા સાળા પ્રતાપભાઇની જમીન વાવણી કરવા રાખી છે તો તમે અહીંયા શું કરવા આવો છો ? જમીન અમારી છે.’ આ વાતચીત દરમિયાન નેભા કારા નામના શખ્સે ધારિયાનો ઘા કરતા પ્રૌઢના કપાળના ભાગ ઉપર ઈજા પહોંચી હતી ત્યારે અન્ય ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પછાડી દઇ પતાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં ઘવાયેલા પ્રૌઢે હુમલાના બનાવ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ત્રણ શખ્સો અને જામજોધપુરના એક સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમરાપરની સીમમાં આવેલા ખેતરમાં પ્રૌઢ ઉપર હુમલો
ધારિયાનો ઘા ઝીંકી ઢીકાપાટુનો માર માર્યો : હુમલો અને ધમકીનો ગુનો નોંધી પોલીસ દ્વારા કાર્યવાહી