જામનગર શહેરમાં ખોડિયાર કોલોની મેહુલ સિનેમા સામેના પેટ્રોલ પંપ રોડ પર રોંગ સાઈડમાંથી આવતી કારના ચાલકને રોંગસાઈડમાં ચલાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાલક સહિતના ચાર શખ્સોએ ટ્રાફિકબ્રિગેડના ફરજ પરના કર્મચારી સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલી ચંપલથી માર માર્યાના બનાવમાં પોલીસે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મેહુલ સિનેમેકસ સામે સીએનજી પંપ રોડ પરથી રોંગ સાઈડમાં જતી સ્વીફટ કારને ત્યાં ફરજ પર રહેલા ટ્રાફિક બ્રિગેડમાં સેવા આપતા મનદીપસિંહ મહાવીરસિંહ વાળા નામના કર્મચારીએ કારચાલકને રોકી જણાવ્યું હતું કે ‘તમારું વાહન રોંગસાઈડમાં ચલાવશો તો સામેથી આવતા વાહનો સાથે અકસ્માત થશે. જેથી તમે પુલ નીચેથી સામેના માર્ગ પરથી કાર ચલાવો.’ કહેતા ઉશ્કેરાયેલા સ્વિફટ કારમાં બેસેલા દેવેન્દ્ર વાઢેર અને બે અજાણ્યા તથા એક મહિલા સહિતના ચાર શખ્સોએ મનદિપસિંહ સાથે ઝપાઝપી કરી અપશબ્દો કહ્યા હતાં તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે મહિલાએ ચંપલ વડે માર માર્યા બાદ ચારેય શખ્સો કારમાં નાશી ગયા હતાં.
બાદમાં ફરજ પરના મનદિપસિંહ આ બનાવ અંગેની જાણ કરતા પોલીસે દેવેન્દ્ર વાઢેર અને એક મહિલા તથા બે અજાણ્યા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ માર માર્યાનો ગુનો નોંધી ચારેય શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.