જામનગર શહેરની અદાલતમાં સરન્ડર થયેલા બુટલેગરની પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈને હાથમાં પહેરાવેલી હથકડી સાથે હુમલો કરતા હાથમાં ફેકચર આવ્યું હતું તેમજ આરોપીએ દિવાલમાં માથા પછાડી પોતાને ઈજા કરી હતી. આ બનાવમાં પીઆઈ દ્વારા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગત વર્ષેે મહાવીરસિંહ દેવાજી ભારાજી જાડેજા નામના શખ્સ સામે 3195 બોટલ દારૂ, 215 અને 12 બોટલ સહિતની ત્રણ ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદમાં પોલીસ દ્વારા મહાવીરસિંહની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, આરોપીની ભાળ મળી ન હતી. દરમિયાન આરોપીએ અદાલતમાં સરન્ડર કરતા પોલીસ દ્વારા વિધિવત ધરપકડ કરી પોલીસમથકે લઇ આવી મંગળવારે સાંજના સમયે પીઆઈ એમ.જે. જલુ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન હાથમાં પહેરાવેલી છૂટી હથકડી સાથે બેસાડી પૂછપરછ કરતા ઉશ્કેરાયેલા મહાવીરસિંહે દિવાલમાં માથા પછાડી લોહી નિકળ્યું હતું. જેથી પીઆઇ તથા પીએસઆઈ એમ.ડી. મોઢવાડિયા, પો.કો. સાજીદ બેલીમ, યોગેન્દ્રસિંહ સોઢા સહિતનો સ્ટાફ મહાવીરસિંહને રોકવા ગયો હતો. તે દરમિયાન મહાવીરસિંહે હાથમાં પહેરાવેલી છૂટી હથકડી વડે પીઆઇ એમ.જે. જલુ ઉપર જમણા હાથમાં હુમલો કરી આંગળીમાં ફેકચર કરી દીધું હતું તેમજ ડાબા હાથની આંગણીમાં પણ મૂંઢ ઈજા કરી હતી.
પોલીસ સ્ટેશનમાં જ પૂછપરછ કરતા આરોપીએ પોલીસ ઈન્સ્પેકટર ઉપર હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી અને ત્યારબાદ પોલીસ સ્ટાફ દ્વારા હુમલાખોર આરોપીેને કાબુમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પીઆઈ એમ.જે. જલુને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં તેમજ બીજી તરફ દિવાલમાં માથા પછાડનાર મહાવીરસિંહને પણ ઈજા પહોંચતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પીઆઇ એમ.જે. જલુ દ્વારા સીટી એ ડીવીઝનમાં જ મહાવીરસિંહ દેવાજી ભારાજી જાડેજા વિરૂધ્ધ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ બી.એસ.વાળા તથા સ્ટાફે તપાસ આરંભી હતી.