કાલાવડ તાલુકાના મોરીદળ ગામની સીમમાં જમીનના ભાયુભાગ બાબતે અસંતોષ થવાથી યુવાન ઉપર તેના સગાભાઇએ લોખંડના પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોરીદળ ગામના સીમ વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા રણછોડ ઘેલાભાઇ સરમાણી નામના યુવાન અને તેના ભાઇ હરેશ વચ્ચે જમીનના બે માસ પહેલાં ભાગ પડી ગયા હતાં. આ ભાગમાં અસંતોષ થવાથી તેના ભાઈ હરેશે સગાભાઈ રણછોડ ઉપર રવિવારે રાત્રિના સમયે લોખંડના પાઈપના આડેધડ ઘા ઝીંકી હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા રણછોડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હેકો એચ. કે. મકવાણા તથા સ્ટાફે નિવેદનના આધારે સગા ભાઈ વિરૂધ્ધ હુમલાની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.