જામનગર તાલુકાના દિગ્વીજયગ્રામ કારાભુંગા વિસ્તારમાં બાઈક દૂરથી ચલાવવાનું કહેવાની નજીવી બાબતે ચાર શખ્સોએ લોખંડના સળિયા અને પાઈપ વડે પ્રૌઢા ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પ્રૌઢાના ત્રણ પુત્રો સામે યુવતીને પરેશાન કરવા બાબતે સમજવવા જતા યુવાન ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા કારાભુંગામાં રહેતા જાવિદ સુંભણિયા નામનો યુવાન મંગળવારે રાત્રિના સમયે ચાલીને જતો હતો ત્યારે કાસમ ઉર્ફે કાસલો બાઈક પર પસાર થતા જાવિદે કાસમને બાઇક દૂર ચલાવવાનું કહેતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનદુ:ખ રાખી કાસમ ઉર્ફે કાસલો, સરફરાજ સુંભણિયા, આરીશ સુંભણિયા, હારુન સુંભણિયા નામના ચાર શખ્સોએ એક સંપ કરી જાવિદની માતા ફરીદાબેનના પગમાં અને માથામાં સળિયાના ઘા મારી ઈજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
તેમજ બીજા બનાવમાં સીક્કામાં રહેતી યુવતીને ઈમરાન કાસમ સુંભણિયા, જાવિદ કાસમ સુંભણિયા, આસીફ કાસમ સુંભણિયા નામના ત્રણ શખ્સો પરેશાન કરતા હતાં. જેથી યુવતીનો ભાઈ અસગર હુંદડા ત્રણેય શખ્સોને સમજાવવા ગયો હતો ત્યારે આ ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઇને અસગરના માથામાં લોખંડના સળિયા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અસગર દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.