ઉત્તર પ્રદેશના લખનઉના કાકોરીમાં વિસ્તારમાં એટીએસે સર્ચ ઓપરેશન હાથ ધરી અલકાયદાના બે આતંકી ઝડપી લઇ તેમની પાસેથી વિસ્ફોટક અને પ્રેશર કુકર બોમ્બ કબ્જે કર્યા છે. અલકાયદા સાથે જોડાયેલા આ આતંકી લખનઉ અને યુપીના અન્ય વિસ્તારોમાં સીરિયલ બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા.
યુપી એટીએસના આઇજી જીકે ગોસ્વામીએ જણાવ્યું કે, યુપી અને લખનઉમાં સીરિયલ બ્લાસ્ટનું પ્લાનિંગ હતું. લાઇવ બોમ્બ પણ કબજે કરાયો છે. આતંકીઓની કાશ્મીર સાથે લિંક છે. તે સ્લીપર સેલ હતા, પણ હવે એક્ટિવ થઇને કામ કરી રહ્યા હતા. તેમની પાસેથી વિસ્ફોટક કબજે કરાયા છે. તેઓ મોટા ષડયંત્રને અંજામ આપવા માગતા હતા. ઝડપાયેલા આતંકીઓ પૈકી એક આતંકીનું નામ શાહિદ હોવાનું સામે આવ્યું છે. જે ઘરમાં રેડ કરવામાં આવી છે તે ઘર શાહિદનું જ છે અને તે ત્યાં તેના પરિવાર સાથે રહે છે. તેમજ તે ગેરેજ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ઝડપાયેલા આતંકીઓનું કાશ્મીર કનેક્શન પણ સામે આવ્યું છે, જેની તપાસ કરાઇ રહી છે. યુપી એટીએસ અનુસાર નેટવર્કમાં ઘણા લોકો જોડાયેલા છે. શાહિદ, રિયાઝ અને સિરાઝના ઘરે યુપી એટીએસે રેડ પાડી છે. કહેવાય છે કે, રિયાઝ અને સિરાઝ સરકારી નોકરીમાંથી રિટાયર્ડ છે અને શાહિદ ગેરેજ ચલાવતો હતો. 9 વર્ષ પહેલાં શાહિદ નોકરી માટે દુબઇ પણ ગયો હતો.
શંકાસ્પદ આંતકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પૂર્વે એટીએસની ટીમે આતંકીઓને ઝડપી પાડ્યા છે. આતંકીઓ ઝડપાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાથે જ સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.