અદાણી ગ્રૂપ સંચાલિત અમદાવાદ એરપોર્ટ પર 1 એપ્રિલની વહેલી સવારે અમદાવાદની મહિલા અને CISFના જવાન કલ્પેશ રામટકે વચ્ચે બેગ ચેક કરવા બહાને બબાલ થઈ હતી. નીલમ દવે નામની મહિલાએ બેગ ચેક કરવાની ના પાડીને કહ્યું કે હું સરકારી અધિકારીની છોકરી છું અને ઝઘડો આગળ વધ્યો હતો અને મહિલાએ ઉશ્કેરાઈને જવાનને લાફો મારી દીધો હતો. આ ઘટના બાદ ત્યાં હાજર અન્ય લોકો ભેગા થઈ ગયા હતાં. આ બનાવ અંગે CISFના જવાને એરપોર્ટની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 2 પર મૂળ મહારાષ્ટ્રના અને હાલ અમદાવાદ નરોડામાં રહેતા કલ્પેશ રામટકે (ઉ.વ.47)એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ CISFમાં રાતે 9થી સવારે 6 વાગ્યા સુધી એરપોર્ટ પર ફરજ બજાવે છે. બુધવારે રાતે તેમની નોકરી પર હાજર હતા, ત્યારે વહેલી સવારે એક મહિલાની બેગ સ્કેન ક્લિયર થતું ન હતું. જેથી સ્ટાફના અન્ય વ્યક્તિ તેમને સમજાવી રહ્યા હતા કે, તમારી બેગમાં ફોન કે સિક્કા હશે, જેથી તમારી બેગ ક્લિયર થતી નથી, જેથી તમારી બેગ ચેક કરવી પડશે.
CISFના જવાનની ફરિયાદ મુજબ, આ સમયે મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ મહિલા ઉશ્કેરાઈ ગયા હતા અને જોરજોરથી બોલવા લાગ્યા હતાં. તેમજ મહિલાએ ગુસ્સે થઈને બેગ નીચે ફેંકી દીધી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. વાત આગળ વધતા મહિલાએ કહ્યું હું સરકારી અધિકારીની છોકરી છું અને ઉશ્કેરાઈ ગયા હતા. ત્યાર બાદ મહિલાએ કલ્પેશ રામટકેને લાફો મારી દીધો હતો. કલ્પેશભાઈએ આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાના પાસપોર્ટ પરથી તેમનું નામ નીલમ અભિનય દવે (રહે.થલતેજ) હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે હાલ એરપોર્ટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.