ગાંધીનગરમાં આવેલી I.I.T.E એટલે કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટિચર એજ્યુકેશનના અગિયારમાં સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરી દવે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ પદ્ધતિને લઇને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નિવેદન આપ્યું છે કે આજનું શિક્ષણ એક ફેક્ટરી ચાલતી હોય તેવું છે. આ શિક્ષણ પદ્ધતિ આપણી નથી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે I.I.T.Eમાં એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ વર્તમાન શિક્ષણ પદ્ધતિને લઇને કહ્યું છે કે હાલ શિક્ષણ ફેક્ટરી જેવું ચાલી રહ્યું છે. ફેક્ટરીમાં માત્ર વેતનથી કર્મચારીને મતલબ હોય છે. આજની શિક્ષા પદ્ધતિ અને વર્તમાન વ્યવસ્થા આપણી નથી. અત્યારની વ્યવસ્થા અંગ્રેજોએ આપેલી છે. આપણે જે જોઈએ છે તે છે જ નહી પ્રાચીન કાળની શિક્ષા પદ્ધતિ ગુરૂકુળની હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું કે, કોરોના મહામારી વચ્ચે નકલી ઇન્જેક્શન, નકલી દવા અને ઓક્સિજનની ચોરી કોણ કરે છે. કોઈ મજૂર કે ખેડૂતે આ કાર્ય કર્યું નથી. ભણેલા ડોક્ટર, એન્જિનીયર અને ડીગ્રી ધારકોએ આ કામ કર્યું છે. અભણ નહીં પણ ભણેલા લોકો દૂરાચાર કરે છે.રાજ્યપાલે તેમનું આ નિવેદન આપી શિક્ષણ માફિયાઓ પર પર નિશાન સાધ્યું છે.