કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીને છેલ્લા ઘણા સમયથી ઈ.ડી. વિભાગ દ્વારા કોઈ કારણોસર નોટિસ પાઠવી અને કરવામાં આવતી કથિત કનડગત સમગ્ર દેશભરમાં વિરોધ ઊઠવા પામ્યો છે. ખંભાળિયામાં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબતને વખોડી કાઢવામાં આવી છે.
સોનિયા ગાંધીને ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પરેશાન કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજરોજ રાજ્ય વ્યાપી ધરણાના હાથ ધરવામાં આવેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સુચના અનુસાર ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગી આગેવાનો, હોદ્દેદારો પણ જોડાયા હતા. ખંભાળિયામાં આજરોજ બપોરે જિલ્લા કલેકટર કચેરી નજીક છાવણી નાખી, અહીના કોંગી આગેવાનો તથા કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન, કોંગી આગેવાન મુળુભાઈ કંડોરીયા, મેરગભાઈ ચાવડા, સારાબેન મકવાણા, કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલીયા, એભાભાઈ કરમુર, જીવાભાઈ કનારા દેવુભાઈ ગઢવી, ગીરૂભા જાડેજા, અરજણભાઈ કણજારીયા, છાયા બેન કુવા સહિતના કાર્યકર ભાઈઓ- બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો.
દેશની એજન્સીઓને આગળ કરીને કોંગ્રેસનો અવાજ દબાવવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવે છે તેવો આક્ષેપ ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા કરવામાં આવ્યો હતો. આ મુદ્દે જરૂર પડ્યે આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી