થોડાં સમય પહેલાં રાજયમાં વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાંએ ખાસ કરીને ખેતી, બાગાયતી તેમજ મીઠું પકવવાના ક્ષેત્રમાં ભારે નુકસાની વેરી હતી. લોકોને ઘણું બધુ નુકસાન થયું છે. તેની સામે સરકારે અસરગ્રસ્તો માટે સહાયની જાહેરાતો પણ કરી છે. જે પૈકી મીઠું પકવતાં શ્રમિકો એટલે કે અગરિયાઓ માટે પણ સરકારે સહાયની જાહેરાત કરી હતી.પરંતુ આ જાહેરાત બાદ સરકારમાંથી જાહેરાતના અમલ માટે કોઇ ગાઇડલાઇન હજૂ સુધી જાહેર થઇ નથી. તંત્રો દ્વિધામાં છે. અગરિયાઓ સહાય કઇ રીતે મેળવવી? તેની મૂંઝવણમાં છે. ગાઇડલાઇનના અભાવે અધિકારીઓ અગરિયાઓને આ સહાય યોજના અંગે માર્ગદર્શન આપી શકતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાંથી નુકસાની પામેલાં ઘણાં બધા અગરિયાઓએ સહાય માટે પોસ્ટકાર્ડ ઝૂંબેશ ચલાવી હતી. આ ઝૂંબેશ પછી સરકારે સહાયની જાહેરાત કરી હતી.જો કે, સહાય સંદર્ભે સરકારે હજૂ સુધી કોઇ ગાઇડલાઇન જાહેર કરી ન હોય અગરિયાઓ સુધી સહાયની જાહેરાતનો કોઇ લાભ પહોંચવા પામ્યો નથી. અગરિયાઓએ સહાયની સરકારની જાહેરાતને આવકારી હતી. પરંતુ આ જાહેરાતના અમલમાં જે મુશ્કેલીઓ છે. તેનાથી અગરિયાઓ મૂંઝવણમાં છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, રાજયમાં કચ્છ સહિત ઘણાં વિસ્તારોમાં સંખ્યાબંધ અગરિયાઓ એવા છે જેઓ પોતે જમીન ધારક હોવાના તેઓની પાસે કોઇ પૂરાવાઓ નથી. આ પ્રકારના અગરિયાઓને કેવી રીતે સહાય પહોંચાડવામાં આવશે? તે પ્રશ્ર્ન પણ મોટો છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી કચ્છ સહિતના વિસ્તારોમાં અગરિયાઓના પ્રશ્ર્નો અંગે સોશ્યલ મીડિયા તથા વિડિયોના લાઇવ પ્રસારણ દ્વારા જાગૃતિ ફેલાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ સંજોગોમાં સરકાર સહાયની ગાઇડલાઇન વેળાસર જાહેર કરે એવી લાગણી અગરિયાઓમાં જોવા મળે છે.