જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં ત્રણ હજારની રકમ પછી આપવાનું કહેતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈને અપશબ્દો બોલી લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ જોડિયા તાલુકાના બાલાચડી ગામના વતની અને હાલ જામનગરના ગુલાબનગરમાં રહેતાં ઈબ્રાહિમભાઈ લોઢડા નામના યુવાનને ફારુક હુશેન ચાવડા નામના શખ્સે રૂા.16000 હાથ ઉછીના આપ્યા હતાં. જે પૈકીના રૂા.13000 પરત આપી દીધા હતાં જ્યારે બાકીના 3000 ની ઉઘરાણી કરાતા શ્રમિક યુવાન ઈબ્રાહિમે પછી આપવાનું કહેતા ઉશ્કેરાયેલા ફારુક હુશેન ચાવડા, સાહીલ ફારુક ચાવડા અને જાવીદ તાલબ ચાટ નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી ઈબ્રાહિમ ઉપર લાકડાના ધોકા, લોખંડના પાઈપ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવ અંગેની જાણ કરાતા હેકો એન.વી. જાડેજા તથા સ્ટાફે ઈબ્રાહિમના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.