દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. હવે ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવત પણ તેની ચપેટમાં આવી ગયા છે. રાવતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. સત્તામાં આવતાની સાથે જ તીરથસિંહ રાવત પોતાના વિવાદિત બયાનોને લઇને સતત ચર્ચામાં છે.
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથસિંહ રાવત કોરોના પોઝીટીવ થયા છે. તેઓએ ટ્વીટ મારફતે જાણકારી આપતા કહ્યું છે કે, “ મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ મને કોઈ તકલીફ નથી. અને ડોકટરોની દેખરેખ હેઠળ હું આઈસોલેટ થયો છું. છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતાનો ટેસ્ટ કરાવે.” દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઝડપથી ઉછાળો આવી રહ્યો છે. ત્યાર વધુ એક રાજકીય નેતા કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
અંતે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથસિંહ રાવત ફાટેલા જીન્સ પહેરવાના પોતાના વિવાદિત બયાનને લઇને ચર્ચાનો વિષય બન્યા હતા. અને ગઇકાલના રોજ પણ તેઓ પોતાના પ્રવચનમાં ભૂલ કરી બેઠા અને જણાવ્યું હતું કે અમેરિકાએ 200 વર્ષ સુધી ભારતને ગુલામ બનાવીને રાખ્યું હતું. તેઓ બ્રિટનની જગ્યાએ અમેરિકા બોલી ગયા હતા. આ ઉપરાંત તેઓએ સરકાર દ્વારા વેચવામાં આવેલા અનાજને લઈને નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે લોકોમાં સરકાર દ્વારા વેચવામાં આવેલા ચોખાને લઈને જલન પણ થવા લાગી કે બે સભ્યવાળાને 10 કિલો જ્યારે 20 સભ્યવાળાને એક ક્વિન્ટલ અનાજ કેમ આપવામાં આવ્યા? તેઓએ કહ્યું કે ‘ભૈયા તેમાં દોષ કોનો છે, જેને 20 પેદા કર્યા, તમે બે જ પેદા કર્યા, તો તેને એક ક્વિન્ટલ મળી રહ્યું છે, જેમાં જલન કેમ. જ્યારે સમય હતો ત્યારે તમે બે જ પેદા કેમ કર્યા, 20 કેમ નહીં.’