દિવાળીના તહેવારોમાં પ્રવાસી અને ધાર્મિક સ્થળોની મુલાકાતે મોટી સંખ્યામાં નાગરિકો સપરિવારજતા હોય છે. ત્યારે જામનગર, દ્વારકા સહિતના શહેરો માટે બસના ભાડામાં દોઢથી બે ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. ભારે ધસારાને કારણે ખાનગી બસોમાં પણ હવે સીટ ઉપલબ્ધ નથી. કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે દિવાળી ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસન મથકોએ મનાવવા માટે નાગરિકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધા છે. બીજી તરફ આ સ્થળોએ જવા માટે જેમણે અગાઉથી રિઝર્વેશન ટ્રેન કે બસોમાં કરાવ્યા છે તેમને ચિંતા નથી. જોકે છેલ્લી ઘડીએ પ્રવાસ નક્કી કરનારાઓને હવે રેલ્વેમાં વેઇટિંગ પણ મળતા ન હોઇ ફરજિયાત પણે ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મુસાફરી કરવાનો સમય આવ્યો છે. ખાનગી ટ્રાવેલ સંચાલકોએ પણ બસોના ભાડામાં તોતિંગ વધારો કરી દીધો છે.
એસટી બસોમાં પણ સૌરાષ્ટ્ર સહિતના મહત્વના શહેરો માટે વોલ્વો ,એસી બસોના બુકિંગ દિવાળીના દિવસોમાં ફૂલ થયા છે. બીજી તરફ ગુર્જર નગરી અને ડિલક્ષ બસોના રિઝર્વેશન પણ વધી રહ્યા છે. સામાન્ય નાગરિકો પાસેથી મોં માગ્યા દામ ખાનગી ટ્રાવેલ સંચાલકો પડાવી રહ્યા છે .તહેવારની ઉજવણી માટે જવાનું હોવાથી મને કે કમને આ ભાડા તેઓ ચૂકવી રહ્યા છે.
રાજકોટ, જુનાગઢ,ભાવનગર, અમરેલી, પોરબંદર, દ્વારકા, સોમનાથ, જામનગર સહિતના શહેરો માટે ખાનગી લકઝરી બસોમાં હવે ગણી ગાંઠી સીટો જ બાકી રહી છે. ખાનગી બસોના સંચાલકોએ હવે ભાડા દોઢા થી બમણાં કેટલાક કિસ્સામાં કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. લખનૌ જવા માટે એક ટ્રાવેલ દ્વારા જયપુર સુધી લઇ જઇને ત્યાંથી 2 કલાક બાદ બીજી ખાનગી કનેક્ટિંગ ટ્રાવેલમાં મુસાફરી માટે રૂ.4300 થી રૂ.4500ના દર રાખવામાં આવ્યા છે.
બેંગ્લોરનું ભાડું રૂ.1800 થી 4500 સુધી જોવા મળે છે. મુંબઇના રૂ.1050 થી લઇને રૂ.2300 થયા છે. દિલ્હીના રૂ.3500 થી રૂ.6000, પૂણેના રૂ.1800 થી રૂ.3500 ભાડું છે. જયપુરના રૂ.2600 થી રૂ.4000, ગોવાના રૂ.2500થી 4500, ઉદેપુરના રૂ.1600 થી 2300, શિરડીના રૂ.1800થી રૂ.2300 થઇ ગયા છે. નાથદ્વારાનું રૂ.1200 થી રૂ.1500 ભાડું છે. જેમ તહેવારોના દિવસ નજીક આવશે તેમ તેમ ભાડામાં વધારો થઇ શકે છે તેમ પણ જણાવાય છે. અત્રે જે ભાડા દર્શાવવામાં આવ્યા છે તે ખાનગી લકઝરી બસોમાં સુવિધા મુજબના હોય છે. સ્લીપર કોચ,એસી બસો અને નોન એસી બસોના ભાડા અલગ-અલગ હોય છે.


