વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે સેન્ટ્રલ વિસ્ટાની બાંધકામ સાઈટ પર પહોંચ્યા છે. જ્યા તેમણે નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 8:45 વાગે નિર્માણ સ્થળ પર હતા. તેમણે સાઈટ પર આશરે એક કલાક પસાર કર્યો હતો અને નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ અગાઉ તેઓ અમેરિકાથી આવ્યા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ તેઓ સીધા જ સેન્ટ્રલ વિસ્ટાની બાંધકામ સાઈટ પર આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુલાકાત અંગે કોઈને જાણ કરી ન હતી. તેમણે બાંધકામ સાઈટ પર પહેરવામાં આવતું હેલમેટ પણ માથા પર પહેર્યું હતું. રાજધાની દિલ્હીમાં તૈયાર થઈ રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદનું નિર્માણ થઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે નવા સંસદ ભવનનું નિર્માણ આગામી વર્ષ સુધીમાં થઈ જશે. આ માટે મોટા પ્રમાણમાં દિવસ-રાત કામગીરી થઈ રહી છે અને મોટી સંખ્યામાં કામદારો કામગીરી કરી રહ્યા છે. નવા સંસદ ભવન જૂના સંસદ ભવનથી 17 હજાર વર્ગમીટર મોટું હશે. તેને રૂપિયા 971 કરોડ રૂપિયાના ખર્ચથી આશરે 64500 વર્ગમીટર ક્ષેત્રમાં તૈયાર કરવામાં આવશે. આ નિર્માણ કામગીરી ટાટા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે. તેની ડિઝાઈન એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે. નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા ખંડો ઉપરાંત ભવ્ય બંધારણ ખંડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમા ભારતના લોકશાહી વારસા માટે અન્ય વસ્તુઓ સાથે બંધારણની મૂળ કૃતિ, ડિઝીટલ ડિસ્પ્લે વગેરે હશે. બંધારણ ખંડમાં મહેમાનોને જવા માટે પરવાનગી હશે અને તેઓ ભારતના સંસદીય લોકતંત્ર અંગે જાણકારી મેળવી શકશે.
એનર્જેટિક મોદી : 16 કલાકની લાંબી હવાઇ યાત્રા બાદ પણ પહોંચ્યા સેન્ટ્રલ વિસ્ટાની સાઇટ પર
નવા સંસદ ભવન નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું : 'work is worship’નો દાખલો બેસાડયો