દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ હવામાન વિભાગ દ્વારા શનિવાર તથા રવિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ શનિવારે તથા ગઈકાલે રવિવારે પણ જિલ્લામાં સંપૂર્ણ મેઘ વિરામ રહ્યો હતો. આ વચ્ચે તાજેતરમાં વધુ એક આગાહી મુજબ આગામી સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનડીઆરએફની એક ટુકડી ફાળવવામાં આવી છે. 24 જવાનો સાથે એન.ડી.આર.એફ.ની આ ટીમને હાલ કલ્યાણપુર તાલુકાના રાવલ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીના પગલે આગામી દિવસોમાં જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસે તો તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી થઈ શકે તે હેતુથી એનડીઆરએફની આ ટુકડી જરૂરી સાધન સામગ્રી સાથે પ્રાપ્ત થતા અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર તાલુકામાં મુકવામાં આવી છે.