મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 134 નાગરિકોના મોત થયા હતા. આ કેસમાં ઘણા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા ઓરેવાના માલિક જયસુખ પટેલને પકડી લેવા મોરબીની અદાલતે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ જયસુખ પટેલે ધરપકડના ડરે પોતાના એડવોકેટ મારફત આગોતરા જામીન અરજી કોર્ટ સમક્ષ મૂકી છે. જેના પર આગામી સુનાવણી 1લી ફેબ્રુઆરીએ છે. તે પહેલાં પોલીસ ચાર્જશીટ ફાઈલ કરી શકે છે. ચાર્જશીટ માટે પોલીસ વિભાગ તૈયારીઓ કરી રહ્યું છે. આ સદોષ માનવ વધના ગુનામાં એફઆઈઆરમાં આરોપી તરીકે એક પણ વ્યક્તિનું નામ લખાયું નથી. જેથી સરકાર અને પોલીસની કામગીરી સામે શંકા સાથે સવાલો ઉઠ્યા હતા. ત્યારે હવે ચાર્જશીટમાં આરોપી તરીકે ઓરેવાના એમ.ડી. જયસુખ પટેલનું નામ હશે કે કેમ તે અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. પોલીસ સૂત્રોએ એવું પણ જણાવ્યુ છે કે હાલ પોલીસ સત્તાવાર કોઈ નિવેદન જાહેર નહીં કરે. ચાર્જશીટ થયા બાદ જ સમગ્ર વિગતો જાહેર થઈ શકે છે. ઓરેવા કંપનીને વિક્ટોરિયન યુગના પુલના નવીનીકરણ, કામગીરી અને જાળવણીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે 30 ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો અને 134 લોકો મચ્છુ નદીમાં ડૂબી ગયા હતા.
આ બનાવમાં તુરંત ફરિયાદ થઈ હતી. જે પછી ત્યાંના ચોકીદાર, ટિકિટ કલેકટર, ફેબ્રિકેશન વર્ક કરનાર અને ઓરેવાના મેનેજર સહિતના આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ગત 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 130થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્રભાઈ પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખ વાલજીભાઈ ટોપિયા, માદેવ લાખાભાઈ સોલંકી, પ્રકાશ લાલજીભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ ચૌહાણ એમ નવ આરોપીઓને ઝડપી લીધા હતા. જે કેસમાં પોલીસે તપાસ માટે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી અને ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દેતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા. પુલના ચોકીદાર, ટિકિટ કલેક્ટર, કંપનીના મેનેજર, પુલ રીપેર કરનાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ જયસુખ પટેક સુધી પહોંચવામાં પોલીસના હાથ ટૂંકા પડ્યા છે. ત્યારે કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું હતું.