રીલાયન્સ નીપોન ઈન્સ્યોરન્સ કંપની દ્વારા લોકોને જીવન વીમા પોલિસી દ્વારા વીમાની રકમ આપવામાં આવતી હોવાની યોજનાનો ગેરલાભ લઈ કંપનીના મેનેજર અને એજન્ટ દ્વારા સુનિયોજીત રીતે કૌભાંડ આચરી, મૃત વ્યક્તિઓના નામથી વીમો ઊતરાવીને કંપનીને લાખો રૂપિયાનું બુચ મારવાના પ્રયાસ સબબ આ કર્મચારીઓ ઉપરાંત પોલીસી ઉઘરાવનાર મૃતકના સંબંધીઓ સામે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી કરી, ચાર શખ્સોને દબોચી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતા નાથુભાઈ ગીગાભાઈ ઓડેદરા નામના એક વૃદ્ધ ગત વર્ષ 2011માં અવસાન પામ્યા બાદ તેના પુત્ર મેરામણ નથુભાઈ ઓડેદરા દ્વારા 2015માં તેમનો રૂપિયા ચાર લાખ જેટલો જીવન વીમો લેવામાં આવ્યો હતો. બાદમાં વર્ષ 2018 માં તેમને મૃત જાહેર કરી તેના વિમાની રકમ રૂપિયા 3,82,300 ની રકમ મરણનો ખોટો દાખલો આપીને ક્લેમ કરવામાં આવી હતી.
આ જ રીતે કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે રહેતા માલીબેન મશરીભાઈ ભોચિયા અવસાન પામ્યા બાદ ડિસેમ્બર 2016માં તેમના પતિ મશરી ઉકાભાઇ ભોચિયા દ્વારા તેમનો રૂપિયા 4.99 લાખનો વીમો ઉતારવામાં આવ્યો હતો. જેને વર્ષ 2018 માં મૃત જાહેર કરીને વિમો ક્લેમ કરાયો હતો. આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના રવિકુમાર અરશીભાઈ બોદરનો પણ રૂ. 1.80 લાખનો વીમો ઉપરોક્ત કંપની સમક્ષ ક્લેમ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત વીમા કંપનીની તપાસમાં સમગ્ર કૌભાંડ છતુ થયુ હતું. જેથી કંપની દ્વારા ક્લેમની રકમ ચૂકવવામાં આવી ન હતી. આ સમગ્ર પ્રકરણ અંગે રિલાયન્સ નીપોન ઈન્સ્યોરન્સના સિનિયર એક્ઝિક્યુટિવ વાસુદેવભાઈ દિગંબરભાઈ પુડલીક તિકમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ સમક્ષ આ પ્રકરણ રજૂ કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાઈ હતી.
આ પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. પી.સી. સિંગરખીયા દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી, આરોપીઓની વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપી એવા રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના બ્રાંચ મેનેજર ઉમેશ નરશીભાઈ સંચાણીયા (રહે. જામનગર), કંપનીના એજન્ટ અરજણ ભીખાભાઈ આંબલિયા (રહે. શેઢા ભાડથર, તા. જામ ખંભાળિયા), મૃતક વૃદ્ધના આરોપી પુત્ર મેરામણ નથુભાઈ ઓડેદરા (રહે. શેઢા ભાડથર, તા. જામ ખંભાળિયા) તથા મૃતક મહિલાના પતિ મશરી ઉકાભાઈ ભોચીયા (રહે. ધાતુરીયા, તા. કલ્યાણપુર) નામના ચાર શખ્સોની અટકાયત કરી હતી.
આ પ્રકરણમાં અન્ય શખ્સો પણ સંડોવાયેલા હોવાની શક્યતા વચ્ચે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. સીંગરખીયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.આઈ. સીંગરખીયા સાથે સ્ટાફના હરદેવસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ભીખાભાઈ ગાગીયા, ઈરફાનભાઈ ખીરા, દિનેશભાઈ માડમ, કિશોરસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.