ફિશિંગ અંગેના વ્યવસાયની ડિગ્રી માટેની પટણાની નેશનલ ઇન્લેન્ડ નેવિગેશન ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થાના બનાવટી સર્ટીફિકેટ પ્રકરણના ચાર આરોપીઓને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી છે.
ખંભાળિયા પંથકમાંથી જામનગરના બેડી વિસ્તારમાં રહેતા જુમા જુસબ ઓસમાણ નામના 50 વર્ષીય એક શખ્સ પાસેથી પટણાની નેશનલ ઇન્લેન્ડ નેવિગેશન ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થાના સર્ટિફિકેટ મળી આવતા આ અંગે એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસમાં ઉપરોક્ત સર્ટિફિકેટ બનાવટી હોવાનું ખુલવા પામ્યું હતું.
આ પ્રકરણમાં ઉપરોક્ત શખ્સ સાથે સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો એવા બેડી ગામના રહીશ અબ્દુલ આદમ હુસેન, અસર કાસમ ઈશા ચંગડા અને અસરફ અબ્બાસ જાકૂબ સુરાણીના નામ પણ જાહેર થયા હતા. જે સંદર્ભે પોલીસે ઉપરોક્ત તમામ શખ્સો સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.
આ તમામ આરોપીઓને એસ.ઓ.જી. પોલીસે ગઈકાલે વિધિવત રીતે ધરપકડ કરી, આ તમામને આજરોજ બપોરે અહીંની અદાલતમાં રજૂ કરવામાં આવશે. જેમાં અન્ય કેટલાક શખ્સોના નામો ખૂલવાની સંભાવના સાથે વધુ વિગતો પણ પ્રકાશમાં આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.