દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના સલાયા બંદર ખાતે છેલ્લા કેટલાક દિવસોથી જહાજોની ઇમિગ્રેશન પ્રક્રિયા અચાનક બંધ થતા શિપિંગ ઉદ્યોગ, વેપારીઓ તેમજ મજૂરો સહિત અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ આશરે 40 થી 45 જેટલા લાકડાના શિપિંગ વહાણો સલાયા બંદર પર અટવાઈ ગયાં છે. આ જહાજો પોરબંદર, મુન્દ્રા, જખૌ તથા બેડી બંદર પરથી ચોખા, ખાંડ, મગફળી સહિત હજારો ટન ખાદ્ય પદાર્થો ભરીને ગલ્ફ દેશોમાં નિકાસ માટે તૈયાર હતા. પરંતુ ઇમિગ્રેશન કામગીરી બંધ થતા આ વહાણો આગળ વધી શક્યા નથી.
આ અચાનક સર્જાયેલી પરિસ્થિતિને કારણે માત્ર શિપિંગ ઓપરેટર્સ જ નહીં પરંતુ હજારો પરિવારોના રોજગાર તથા વેપાર ધંધા પર સીધી અસર થઈ છે. લાંબા સમય સુધી વહાણો અટકતા દેશના નિકાસ વ્યવસાયને મોટું નુકસાન થવાની સાથે ભારતના અર્થતંત્ર પર પણ આંચકો પડી શકે છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ જણાવ્યું હતું કે પહેલી સપ્ટેમ્બરથી સલાયા બંદર પરથી નિયમિત રીતે ઇમિગ્રેશન પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ 9 સપ્ટેમ્બરથી આ કામગીરી કોઈ કારણસર બંધ કરી દેવાઈ. હાલ અંદાજે 40 જેટલા વહાણો રોકાયેલા છે, જેના કારણે કરોડો રૂપિયાના વિદેશી વેપારમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થઈ શકે છે.
સલાયા બંદરની ઇમિગ્રેશન પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા માટે શિપિંગ એસોસિયેશન તથા વહાણ માલિકોએ કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે. તેઓનું કહેવું છે કે સરકાર સી-ઇકોનોમીના વિકાસ માટે પ્રયાસરત છે, ત્યારે તેના અગત્યના હિસ્સા એવા લાકડાના વહાણોની ઇમિગ્રેશન અટકાવવી અત્યંત હાનિકારક છે. જો વહાણો અટવાયેલા રહેશે તો વિદેશી વેસલ્સ દ્વારા કાર્ગો મોકલાશે અને સલાયા બંદર તથા સ્થાનિક વહાણવટીઓને ભારે નુકસાન થશે. મળતી માહિતી મુજબ સલાયા બંદર પરથી દર વર્ષે અંદાજે 5 લાખ ટન માલ વિદેશ જાય છે. હાલની પરિસ્થિતિને કારણે આ વેપારમાં ભારે ખલેલ પડી રહી છે.નનસ્થાનિક ઉદ્યોગસાહસિકો, વેપારીઓ તથા મજૂરો દ્વારા સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ઇમિગ્રેશન પ્રક્રિયા પુન: શરૂ કરવાની માંગણી જોરશોરથી ઉઠાવવામાં આવી છે.


