જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે બીજાના ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા યુવાન અને બાળકી સહિતના ત્રણ લોકો ઉપર આઠેક જેટલા શખ્સોએ હુમલો કરતા ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડેશ્વરમાં રેલવે સ્ટેશન પાસે એકડેએક બાપુની દરગાહ પાસે રહેતાં સદામભાઈ પઠાણ તેના ઘર પાસે હતાં તે દરમિયાન પાડોશીઓના ચાલી રહેલા ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતા સદામભાઈ ઉપર આઠથી દશ જેટલા શખ્સોએ ધોકા અને તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં એક બાળકી અને યુવતી ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા ત્રણેયને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.