કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ નજીક મગફળીનો ભુકકો ભરવા ગયેલા ટ્રકચાલક સહિતના બે વ્યક્તિઓને ત્રણ શખ્સોએ લાકડી અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા ભાણાભાઈ રતાભાઇ ઠુંગાનો પુત્ર ગોપાલ તેની અશોક લેલેન્ડ ગાડી ભાડેથી રામજી ચારણને ત્યાં મગફળીનો ભુક્કો ભરવા ગયો હતો તે દરમિયાન આલરવ માણહીર ચારણ નામનો શખ્સ ગોપાલભાઈની ગાડીમાં બેસી ચેનચાળા કરતો હતો અને તેને ગાડી ચલાવતા આવડતી ન હોવાથી ગોપાલે ચલાવવાની ના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી ગોપાલે તેના પિતાને જાણ કરતા ભાણાભાઈ સ્થળ પર આવ્યા હતાં અને આલરવને સમજાવવા જતાં ઉશ્કેરાઈને આલરવ ચાલણ, સોમો ચારણ અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી પિતા-પુત્ર ઉપર કુંડલી વાળી લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ લોખંડના પાઈપ વડે આડેધડ માર મારતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
હુમલામાં ઘવાયેલા પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે ભાણાભાઈના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.