જામનગર જિલ્લા ઇફકોના ફિલ્ડ ઓફિસર દ્વારા ખાતર વિતરણના મનસ્વી વહીવટ કરવામાં આવતો હોવાની ફરિયાદ જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખે કરી છે.
જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ બી. જાડેજાએ ઇફકોના ચેરમેનને કરેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લાના ઇફકોના ફિલ્ડ ઓફિસર બલદેવ સામતીયા દ્વારા ખાતર વિતરણમાં મનસ્વી વહીવટ કરવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લામાં તેમજ જામજોધપુર તાલુકામાં સહકારી મંડળીઓને ખાતરનો અપુરતો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. જ્યારે ખાનગી પેઢીઓને પર્યાપ્ત માલ સપ્લાય કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓની સરખામણીએ નેનો યુરીયા અને નેનો ડીએપીનું ફરજિયાતપણે વધુ માલ આપવામાં આવે છે.
જામનગર ગોડાઉનમાંથી લોડ કરેલી 12 ટન ખાતરની ગાડીઓ સાથે ફરજિયાત પાંચ પેટી નેનો યુરીયાની બોટલ સપ્લાય કરવામાં આવે છે. પરંતુ અત્યારે ઓફ સિઝન હોવાના કારણે નેનોની આવશ્યકતા ન હોય તે લેવાનો ઇન્કાર કરતાં અધિકારી ખાતરની ગાડી પણ ખાનગી પેઢીઓને ફાળવી દે છે.
સહકારી મંડળીઓને ખાતરનો પુરતો જથ્થો પહોંચાડવાના બદલે ખાનગી પેઢીઓને વધુ માલ પહોંચાડવાનો આગ્રહ રાખવામાં આવે છે. પરિણામે ખેડૂતોને ફરજિયાતપણે ખાનગી પેઢીઓ પાસેથી જરુરીયાત મુજબનો ખાતરનો જથ્થો મેળવવો પડે છે. આ ઉપરાંત કંપનીના અધિકારી સહકારી મંડળીઓના ફોન પણ રિસિવ કરતાં નથી. જો કોઇ સહકારી સંસ્થાના હોદ્ેદારો આ અંગે ફરિયાદ કરે તો સંસ્થાને ખાતર સપ્લાય બંધ કરી દેવામાં આવે છે. આમ, અધિકારીના મનસ્વી વહીવટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.