ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવી સરકારી કોલેજ શરુ કરવા રજૂઆત કરી હતી. જે આ વખતના બજેટમાં મંજૂર થતાં ધારાસભ્યની રજૂઆતને સફળતા મળી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉચ્ચ અભ્યાસ માટે ટેકનીકલ તથા મેડિકલ માટેના અભ્યાસની કોઇ જ સુવિધા નથી. તેથી ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે રાજ્યના મુખ્યમંત્રીને તા. 27-7-2018ના રોજ પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ વિકસિત થયેલો છે. આ જિલ્લામાં ટાટા કેમિકલ્સ, બોકસાઇટ ઉદ્યોગ, ઘડી ડિટરજન્ટ, પેટ્રોલિયમ જેવી કે, રિલાયન્સ અને એસ્સાર જેવી મોટી કંપનીઓ આવેલી છે અને આ બધી કંપનીઓમાં કામ કરતા ટેકનીકલ અને નોન ટેકનીકલ કામ કરતા કર્મચારીઓના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે દૂર જવું પડે છે અને ભારે મુશ્કેલી પડી રહી છે.
આ વિસ્તાર દેશના પશ્ર્ચિમના છેવાડાનો અંતરિયાળ અને પછાત વર્ગની મોટી વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ સંજોગોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમ મથક ખંભાળિયામાં મેડિકલ કોલેજ, પોલીટેકનીક કોલેજ, એન્જિનિયરીંગ કોલેજ શરુ કરવાની તાતી જરુર હોવાથી ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જે આ વખતના બજેટમાં મંજૂર થઇ ગઇ છે. નવી મેડિકલ કોલેજ બનવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ તથા લોકોને ખૂબ જ લાભ મળશે. નવી મેડિકલ કોલેજ મંજૂર થતાં આ વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી ઉદભવી છે. તેમ ધારાસભ્ય વિક્રમભાઇ માડમના કાર્યાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.