જામનગર શહેરમાં જુદા-જુદા વિકાસ કામો માટેે 26.10 કરોડના કામોને સ્થાયી સમિતિએ બહાલી આપી છે. જેમાં શહેરમાં ઇ-બસ ડીપો તથા ઇ-બસ ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે કન્સલ્ટનસીનો ફી નો પણ સમાવેશ થાય છે.
ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિને બેઠકમાં 26.10 કરોડના કુલ 33 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં અલગ-અલગ 3 ઝોનમાં 3.67 કરોડના ખર્ચે નંદઘર બનાવવામાં આવશે. જયારે વોર્ડ નં. પમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા માટે 2.13 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. સોલિડ વેસ્ટ શાખા માટે અલગ-અલગ મશીનરી ખરીદવા પ.34 કરોડ તથા વોટર વર્કસ પાઇપલાઇન ઓટોમેશન સિસ્ટમ માટે 12.66 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. શહેરમાં અલગ-અલગ બે જગ્યાએ સેન્ટ્રલ લાઇટીંગના કામ માટે 48.41 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જુદા-જુદા ઝોનમાં ગટરના કામ સીસી રોડના ચરેડા પૂરવા કેનાલ બ્રિજ ગાર્ડન બિલ્ડીંગ તથા જાળવણીના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ઇ-બસ સેવા અંતર્ગત શહેરમાં ઇ-બસ ડેપો તથા ચાજિગ સ્ટેશન તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા માટે ક્ધસ્લટન્ટની નિમણુંક કરવામાં આવી છે. જેની ફી પેટે 23.40 લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિની બેઠકમાં નવનિયુકત ડેપ્યુટી કમિશનર યોગીરાજસિંહ ડી. ગોહિલનું પદાધિકારીઓ તથા સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે વસરામભાઇ પરમાર તથા લાભશંકરભાઇ જોષી વય મર્યાદાના કારણે નિવૃત થતાં હોય તેઓનું નિવૃતી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસમાં ખાલી રહેતાં 154 આવાસો માટે આવેલી કુલ 298 અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરીને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડીએન મોદી, ડેપ્યુટી કમિશનર વાય.ડી. ગોહિલ, સીટી એન્જીનિયર ભાવેશ જાની, આસી. કમિશનર કોમલબેન પટેલ તથા જિગ્નેશ નિર્મળ ઉપસ્થિત રહયા હતા.