જામનગર શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી મુખ્ય માર્ગો પર રખઢતા ઢોરોને કારણે અનેક લોકો ભોગ બને છે તૈ પૈકીના અમુકના તો મોત પણ નિપજ્યાં છે. તેમજ આઈસીડીએસમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી અને ડીએમસીની મીલી ભગતથી થયેલા ભ્રષ્ટાચારની વીજીલન્સ તપાસ કરાવવા અને જવાબદાર ડીએમસીને હટાવવા મામલે કમિશનરને સંબોધીને મેયર તથા સ્ટેન્ડીંગ ચેરમેનને આવેદનપત્ર કોંગે્રસના કોર્પોરેટરો દ્વારા આપવામાં આવ્યું હતું.
છેલ્લાં ઘણાં સમયથી જામનગર શહેરમાં રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો ત્રાસી ગયા છે તેમાં પણ ખાસ કરીને મહાનગરપાલિકાના નિંભર વહીવટી તંત્રને કારણે આ સમસ્યા વધુને વધુ જટિલ બનતી જાય છે. રખડતા પશુઓને કારણે શહેરીજનોના મોત નિપજવાની ઘટનાઓ પણ બનતી જાય છે. આ ગંભીર સમસ્યાનું નિરાકરણ કરવા માટે ડીએમસી એ.કે. વસ્તાણી તદ્ન નિષ્ફળ ગયા છે અને મન ફાવે તેવા નિવેદનો આપે છે. જેને કારણે પ્રજાની લાગણી દુભાઈ છે.
તેમજ જામનગર મહાનગરપાલિકાની આઈસીડીએસ કચેરીમાં ફરજ બજાવતા સીડીપીઓ તરીકે ફરજ બજાવતા હર્ષાબેન જેઠવા દ્વારા અનેક નાણાંકીય કૌભાંડો આચરવામાં આવ્યા છે અને આ કર્મચારી વિરુધ્ધ કોર્પોરેટરો અને લોકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મહિલા કર્મચારી અને ડીએમસી એ.કે. વસ્તાણીની મીલી ભગતથી આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની વીજીલન્સ તપાસ કરાવવાની મેયર બિનાબેન કોઠારીને કોર્પોરેટર રચના નંદાણિયા દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત વિરોધપક્ષ નેતા આનંદ રાઠોડ તથા કોર્પોરેટર જેનમબેન ખફી સહિતના કોર્પોરેટરો કમિશનરને સંબોધીને ઢોરનો ત્રાસ શહેરમાંથી દુર કરવા માટે નિષ્ફળ ગયેલા ડીએમસીને હટાવવા આચરેલા ભ્રષ્ટાચાર બાબતે વીજીલન્સ તપાસ કરવા સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયાને આવેદન પત્ર પાઠવ્યું હતું.