જામનગરમાં કોલેજીયન વિદ્યાર્થીઓ અને યુવાનોને ડ્રગ્સ સહિતના વ્યસનો માંથી છોડાવવા અને જામનગરની કોલેજોમાં નશા મુકિત માટેના સેમિનારો કરવા જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા જિલ્લા પોલીસવડાને સંબોધીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
જેમાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં યુવાનો અને ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સ માફિયાઓના સંકજામાં આવી રહ્યા છે. રાજકોટ, અમદાવાદ, સુરત, જામનગર જેવા મહાનગરોમાં ડ્રગ્સ સપ્લાયરોની ટીમ પોતાના નેટવર્ક થકી કાળા કામોને અંજામ આપી રહી છે. આથી જામનગરમાં ભુતકાળમાં જેે રીતે પોલીસ દ્વારા જામનગરની કોલેજોમાં વિદ્યાર્થીઓની વચ્ચે જઇ નશામુકિત માટે સેમિનારો કરતાં હતાં તે ફરી શરૂ કરવા તેમજ જામનગરની તમામ કોલેજોમાં પોલીસ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવા અથવા પોસ્ટર લગાડવા માંગણી કરવામાં આવી છે.
ગુજરાતમાં યુવાનોને ડ્રગ્સના નશામાંથી છોડાવા ગુજરાત એનએસયુઆઇ દ્વારા ‘નો ડ્રગ્સ મુવમેન્ટ’ શરૂ કરવામાં આવી છે. જેના થકી નશાના પદાર્થો ન વેચાય તે માટે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યું છે. તેમ છતાં કોઇ પગલા નહી લેવાય તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે. જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તોશીફખાન પઠાણ, એનએસયુઆઇ જામનગર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, 78 વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ જેઠવા, રવિરાજસિંહ ગોહિલ, જૈનુલ સૈયદ તથા વિજયસિંહ ઝાલા સહિતના હોદેદારો કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.


