દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો ખંભાળિયા નગરપાલિકા વિસ્તારનો કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને અહીંના યોગ કેન્દ્ર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનનો સંદેશો તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા પી.એમ.જે.એ.વાય., ઉજ્જવલા યોજના, પી.એમ. સ્વનિધી યોજના, સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ અમલી છે. ત્યારે આ યોજનાના લાભથી વંચિત રહેતા લોકોને આ યોજના વિશે માહિતી મળે અને ઘર આંગણે જ યોજનાનો લાભ લઈ શકે તેવા આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જનહિતલક્ષી યોજનાનો લોકોને ઘર આંગણે લાભ મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે. આ યાત્રાના માધ્યમથી સરકારની મહત્વની 17 યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહ્યો છે. સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ લેવા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં મામલતદાર વિક્રમ વરૂ, નગરપાલીકાના કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, નગર પાલિકા દંડક મયુરભાઈ ધોરિયા, ભીખુભા જેઠવા, ગીતાબા જાડેજા, નિમિષાબેન નકુમ, મુકેશભાઈ કાનાણી, હરેશભાઈ ભટ્ટ, રાણાભાઈ, યોગેશભાઈ મોટાણી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.