જામનગર સ્થિત નેવીની પાંખ INS વાલસુરા દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આગામી તારીખ 18-09-2022 ને રવિવારના રોજ જામનગરમાં વાલસુરા નજીક મરીન પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં દરિયાકાંઠા સફાઈ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગરના લોકોને પણ સેનાના જવાનો સાથે આ અભિયાનમાં જોડાવા INS વાલસુરા દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગરમાં INS વાલસુરા દ્વારા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આપણા દરિયાકાંઠા અને જળાશયોને પ્લાસ્ટિકના કચરાથી સાફ કરવાનો છે. જે ભારત સરકારના પુનિત સાગર અભિયાનનો પણ એક ભાગ છે. ઈન્ટરનેશનલ કોસ્ટલ-ડે નિમિત્તે INS વાલસુરા દ્વારા સામૂહિક કોસ્ટલ ક્લિનઅપ ( સફાઈ દિવસ 2022 ) મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં આગામી રવિવાર તારીખ 18 સપ્ટેમ્બર 22 ના રોજ સવારે 6:30 કલાકે નેવી વાલસુરા નજીક મરીન પોલીસ સ્ટેશનથી લઈ રોજી પોર્ટ સુધીના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જામનગરના તમામ રહેવાસીઓને ભારતીય નૌકાદળ સાથે હાથ મિલાવીને આ સફાઈ અભિયાનની પહેલને ભવ્ય રીતે સફળ બનાવવા નેવી વાલસુરા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.