વોર્ડ નં. 1ના વિવિધ વિસ્તારોના નાગરિકોને તથા દરેક સમાજના લોકોને કોઇપણ જાતની ધાર્મિક લાગણી દુભાઇ નહીં તેવી પોસ્ટ સોશ્યલ મિડિયામાં ન મૂકવા તથા શાંતિ અને ભાઇચારા સાથે રહેવા વોર્ડ નં. 1ના કોર્પોરેટર અને એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા અપીલ કરાઇ છે.
વોર્ડ નંબર 1ના બેડી, માધાપર ભૂંગા, જોડિયા ભૂંગા, ગરીબનગર પાણાખાણ, ધરારનગર 1, બેડેશ્ર્વર, એકડેએક બાપુ વિસ્તાર, દિગ્વિજય સોલ્ટ અને બોન્ડમિલ વિસ્તારના નાગરિકો આ વિસ્તારમાં શાંતિપૂર્વક તથા ભાઇચારાથી વર્ષોેથી રહે છે. આથી આગામી સમયમાં પણ ભાઇચારા સાથે રહેવા અપીલ કરાઇ છે.
તાજેતરમાં ધંધુકા મુકામે હત્યાનો બનાવ બન્યો છે. જે બનાવ બાબતે અમુક અસામાજિક તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતિ ડહોળવા અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશિઅલ મીડિયાનો ઉપયોગ કરી ઉશ્કેરણીજનક અને શાંતિ ભંગ કરતી પોસ્ટ મૂકી જાહેર શાંતિને ડહોળવા પ્રયાસો કરતા હોવાનું જણાય આવેલ છે જેથી વોર્ડ નં. 1ના વિસ્તારના તમામ જાગૃત નાગરિકોને આ વિસ્તારના કોર્પોરેટર દ્વારા અપીલ કરવામાં આવી છે કે ધંધુકા બનાવને લગત કોઈ પોસ્ટ સોશ્યિલ મીડિયા ઉપર મુકવી નહીં અને કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય તે રીતની કોઈપણ પ્રકારની પોસ્ટ કરવી નહિ. આવી પોસ્ટ કરનાર સામે પોલીસ તંત્ર પણ કાયદેસરની કાર્યવાહી કરવા કમર કસી છે. આવી પોસ્ટ સામે આપણે જાગૃત થઈ વિસ્તાર તેમજ જામનગર શહેર જિલ્લામાં શાંતિ જળવાય રહે તે માટે જિલ્લા પોલીસ વડા નીતિન પાંડેય તથા શહેર જિલ્લાના પોલીસ અધિકારીઓને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.