જામનગરના બેડેશ્વર કાપડમીલની ચાલી વિસ્તારમાં રહેતાં અને રસોઇ કામ કરતા યુવાન સાથે લગ્ન કરાર કરી ખર્ચ પેટે રોકડ રકમ મેળવી અને લગ્ન બાદ યુવતી કબાટમાં રાખેલી રોકડ અને દાગીના સહિતની રકમ લઇ પલાયન થઈ ગયાના બનાવમાં પોલીસે છ શખ્સોની સામે પૂર્વઆયોજિત કાવતરૂ રચી છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના બેડેશ્વરમાં ગરબી ચોક વિસ્તારકમાં રહેતા અને રસોઇ કામ કરતા સાગર સદાશિવ મહારનવર નામના યુવાનના લગ્નની વાતચીત ચાલતી હતી તે દરમિયાન રાજકોટમાં રહેતા પ્રકાશ ધરમશી મારૂ એ અમદાવાદના વિષ્ણુભાઈની પુત્રી કુવારી હોવાનું જણાવ્યું હતું જેથી પ્રકાશ અને વિષ્ણુભાઈ એ સુરતના નારાયણ સોસાયટીમાં રહેતા સંગીતાબેન ઉર્ફે સુધાબેન જીતેન્દ્ર ભાટીના ઘરે યુવતી જોવાનું ગોઠવ્યું હતું. જેથી સાગર અને તેનો હમીદભાઈ તથા પ્રકાશભાઇ ત્રણેય સુરત ગયા હતાં. જ્યાં વિષ્ણુભાઈ અને અન્ય એક વ્યકિત તથા ચાર મહિલાઓ ઉપસ્થિત હતી જે પૈકીના સંગીતાબેનએ ત્રણ યુવતી પૈકીની શુભાંગી પ્રભાકરણ શીંદે નામની યુવતી સાગરને બતાવી હતી. ત્યારબાદ બન્નેએ એક બીજાને પસંદ પડયા હતાં જેથી લગ્નનું નકકી થયું હતું. તે સમયે ત્રણ પૈકીની અન્ય મહિલાઓમાં એક શુભાંગીની માતા મનિષાબેન તથા અન્ય શુભાંગીની માસી આશાબેન હોવાની ઓળખ કરાવી હતી.
ત્યારબાદ મહારાષ્ટ્રીયન પરિવાર જામનગર આવ્યો હતો અને જામનગરમાં કોર્ટ વિધિથી બન્નેના મેરેજ સંપન્ન થયા હતાં.
બાદમાં મહારાષ્ટ્રીયન પરિવારે યુવાન પાસેથી લગ્નના ખર્ચ પેટે રૂા.1,80,000 લીધા હતાં. લગ્નના થોડા દિવસો બાદ શુભાંગી ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી ગઇ હતી. જેથી સાગર અને તેના પરિવારજનોએ શુભાંગીની શોધખોળ કરી હતી. પરંતુ કયાંય પતો લાગ્યો ન હતો. તેમજ ઘરમાંથી રૂા.40 હજારની રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના પણ ગાયબ હોવાથી પરિવારજનોને શંકા ગઈ હતી. આ ઘટના બાદ શુભાંગીની માસી આશાબેને સાગરને ફોન કરીને જણાવ્યું હતું કે, યુવતીની માતાની તબિયત સારી નથી જેથી તે મહારાષ્ટ્ર આવી હોવાનું જણાવ્યું હતું. બાદમાં સમયાંતરે જુદા જુદા બહાના બતાવી શુભાંગીને મોકલી ન હતી.
દરમિયાન લગ્ન કરી છેતરપિંડી આચરવાના વાઈરલ થયેલા વીડિયોમાં શુભાંગી, મનિષા શીંદે અને આશાબેન ભોરે જણાતા સાગર સાથે પણ આ જ ટોળકીએ છેતરપિંડી આચરી હોવાનું જણાતા સાગરે પોલીસમાં જાણ કરતા પીએસઆઈ યુ.કે. જાદવ તથા સ્ટાફે શુભાંગી પ્રભાકરણ શીંદે, મનિષા પ્રભાકરણ શીંદે, આશાબેન સુરેશ ભોરે (રહે. પીપળગાવ જી. યવતમાલ રાજય : મહારાષ્ટ્ર), પ્રકાશ ધરમશી મારૂ (રાજકોટ), સંગીતાબેન ઉર્ફે સુધાબેન જીતેન્દ્ર ભાટી (સુરત) અને વિષ્ણુ (અમદાવાદ) નામના છ શખ્સો વિરુધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ કરી લગ્નના નામે છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.