જામનગર શહેર અને જિલ્લામાં મેઘસવારી અવિરત રહેતાં છેલ્લાં 24 કલાક દરમિયાન જામજોધપુરમાં વધુ પોણા બે ઈંચ અને પડાણામાં સવા ઈંચ તથા શેઠવડાળા, વાંસજાળિયા, પરડવામાં એક-એક ઈંચ પાણી વરસ્યું હતું તેમજ જામનગર શહેરમાં અડધો ઈંચ ઝાપટાંરૂપે વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં ચોમાસાનો બીજા રાઉન્ડમાં મેઘસવારી અવિરત રહી છે. જેમાં છેલ્લાં 24 કલાક દરમિયાન જામજોધપુરમાં પોણા બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. ત્યારે જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શેઠવડાળા, વાંસજાળિયા અને પરડવામાં એક-એક ઈંચ પાણી પડયું હતું તેમજ જામવાડીમાં પોણો ઇંચ તથા ધ્રાફામાં અડધો ઈંચ અને સમાણામાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. લાલપુર તાલુકાના પડાણામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામનગર શહેરમાં ઝાપટાં રૂપે અડધો ઈંચ પાણી વરસ્યું છે. તાલુકાના વિસ્તારોમાં લાખાબાવળ, દરેડ, વસઈ, લૈયારા, મોડપર, મોટા ખડબામાં સામાન્ય ઝાપટાં પડયા હતાં.