ગુજરાતમાં અનેક ભરતી પ્રક્રિયાને લઇ વિવાદો ચાલી રહ્યા છે. ત્યારે વધુ એક ભરતી પ્રક્રિયામાં છબરડો સામે આવ્યો છે. રાજકોટ મનપાની જુનિયર ક્લાર્કની ભરતીમાં CPT પરીક્ષામાં નાપાસ થયેલા 27 વિદ્યાર્થીઓની નિમણૂંક કરાઈ છે. CPT નાપાસ ઉમેદવારને શરતી નિમણૂક અપાતા વિવાદ સર્જાયો હતો અને વિવાદ સર્જાતા રાજકોટ મનપાએ સિલેક્ટ ઉમેદવારોની યાદી સુધારી હતી.
રાજકોટ મનપાના જુનિયર ભરતી ક્લાર્ક વિવાદનો મુદ્દો સામે આવતા જ રાજકોટ મનપાએ યાદીમાં સુધારો કર્યો છે. ભરતીની જાહેરાતમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે જે ઉમેદવારો CPT પરીક્ષા પાસ કરશે તેઓને જ આગળની પ્રક્રિયા માટે નિમણુક કરવામાં આવશે. છતાં પણ નાપાસ ઉમેદવારોની અથવા તો જે ઉમેદવારોએ CPTની પરીક્ષા જ નથી આપી તેવા 27 ઉમેદવારોની નિમણુક કરી દેવાતા વિવાદ સર્જાયો હતો. અને બાદમાં યાદીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
જો કે ગુજરાતમાં સરકારી ભરતીઓમાં અવારનવાર વિવાદ સર્જાતા હોવાને લીધે સરકારની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ અગાઉ પણ ઘણી પરીક્ષાઓ વિવાદમાં છે. ત્યારે આજે વધુ એક વિવાદ સામે આવ્યો હતો.