સીબીઆઇએ બેંકો સાથે છેતરપિંડી કરવાના આરોપસર એક કંપની સાથે સંકળાયેલાં એક મહિલા સહિત આઠ શખ્સો વિરૂધ્ધ એફઆઇઆર નોંધી છે. સીબીઆઇએ એક કરતાં વધુ જગ્યાએ આ સંદર્ભે દરોડા પાડયા છે અને કેટલુંક સાહિત્ય કબ્જે લીધું છે.
કેન્દ્રીય તપાસનિસ એજન્સી સીબીઆઇએ ગઇકાલે શુક્રવારે મોડી સાંજે અને રાત્રિના દિલ્હી-એનસીઆર સહિત કુલ સાત સ્થળોએ દરોડા પાડયાં હતાં. આ પહેલાં એજન્સીએ આ મામલામાં ફેડેરેસ ઇલેકટ્રીક એન્ડ એન્જીનિયરીંગ કંપની અને તેના પ્રમોટરો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. આ કંપનીએ એસબીઆઇ અને એસબીઆઇની આગેવાની હેઠળની બેંકોના જૂથ સાથે કુલ રૂા.1028 કરોડની છેતરપિંડી કરી હોવાનું એફઆઇઆરમાં ઉલ્લેખ છે.
સીબીઆઇના પ્રવકતા એ જણાવ્યું છે કે, શુક્રવારની કાર્યવાહી દરમ્યાન દિલ્હી, નોઇડા, ગુરૂગ્રામ અને બુલંદ શહેરમાં કુલ સાત જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કંપનીના પ્રમોટરોએ બેંકોના નાણાં અન્યત્ર વાળી દિધાં હતાં અને બનાવટી લેણદેણના માધ્યમથી બેંકો સાથે છેતરપિંડી કરી છે.કંપનીએ બેંકોમાંથી લોન મેળવવા માટે ખોટી એકાઉન્ટ બુક અને ખોટાં આંકડાઓ રજૂ કર્યા હતાં. સીબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે, ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના આધારે આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એફઆઇઆરમાં આરોપીઓ તરીકે અખતર અઝિઝ સિદીકી, શ્યામ સુંદર ધવન, બિંદુ ડોગરા, ઋતુશ્રી શર્મા, અરૂણ કુમાર જોષી તથા રણધિર જૈનના નામોનો ઉલ્લેખ છે.