જામનગર શહેરમાં શરુ સેકશન રોડ ઉપર રહેતા વણિક યુવાને રૂા. 20 લાખની રકમ 10 ટકા વ્યાજે લીધા પછી રૂા. 18 લાખ વ્યાજ પેટે ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર દ્વારા 22 લાખની ઉઘરાણી કરી ધમકી આપ્યાના બનાવની પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના શરુ સેકશન રોડ પર વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા જય કિશોરભાઇ દોશી નામના યુવાને ખુમાનસિંહ જાડેજા પાસેથી એપ્રિલ-2022માં 10 ટકા ઉંચા વ્યાજે રૂા. 20 લાખની રકમ લીધી હતી.
આ રકમની રૂા. 18 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોર દ્વારા યુવાન પાસે વધુ રૂા. 22 લાખની પઠાણી ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવ બાદ યુવાને વ્યાજખોર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.