પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજ, વિધાનસભા કે પછી લોકસભાની ચૂંટણીઓ હોય ત્યારે હિંસક અથડામણો શરૂ થઈ જાય છે. આ વખતે ચૂંટણી અગાઉ અને બાદની હિંસામાં અનેક નિર્દોષ લોકોના જીવ લેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં રાજકિય હિંસા જાણે રાજકિય વારસામાં મળી હોય તેવું લાગે છે.
વર્ષ 1959માં ખાદ્ય આંદોલન સાથે જ રાજકિય હિંસાનો દોર શરૂ થયેલો જે આજે છ દાયકા બાદ પણ યથાવત છે. આ સમયગાળામાં સત્તા પરિવર્તન સાથે તેનું સ્વરૂપ અને નક્કી કરેલા ઉદ્દેશો જ બદલાયા છે, પણ હિંસક ઘટનાનો માહોલ સામાન્ય છે.
અલબત હવે વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ પણ જો નજીકના ભવિષ્યમાં હિંસાની આ હોળી બંધ નહીં થાય તો કેન્દ્રમાં રહેલી મોદી સરકાર માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો માર્ગ મોકળો બની શકે છે.આજે આપણે બંગાળમાં લોહિયાળ હિંસાના એવા ઘટનાક્રમ વિશે વાત કરશું કે જે આજે વ્યવસ્થાનો ભાગ બની ગયો છે.
એક સમય એવો હતો કે જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને અંગ્રેજો માટે બંગાળ સૌથી પ્રિય રાજ્ય પૈકી એક હતું, પણ વિભાજન બાદથી અહિં હિંસક ઘટનાઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળેલું.વિભાજન બાદ પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)માંથી આવી રહેલા શરણાર્થીઓના મુદ્દે પણ બંગાળમાં ભારે હિંસા ફેલાઈ હતી.
વર્ષ 1979માં સુંદરવન વિસ્તારમાં આવેલા મરીચઝાપી દ્વિપ નરસંહાર બંગાળના ઈતિહાસના સૌથી કાળા અધ્યાય તરીકે યાદ કરવામાં આવે છે. આ દ્વિપ પર આશરે 40,000 હિન્દુ શરણાર્થીઓ હતા. કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકારે સુઆયોજીત ષડયંત્ર રચી સેંકડો શરણાર્થીઓનો નરસંહાર કર્યો હતો. અંગ્રેજોએ આચરેલી જલિયાવાલા બાગની ઘટના કરતાં વધારે આઘાતજનક અને દુખદ ઘટના હતી.
60ના દાયકામાં ઉત્તર બંગાળના નક્સલબાડીથી શરૂ થયેલુ નક્સલ આંદોલને રાજકિય હિંસાનું એક નવું જ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ.ખેડૂત અને શ્રમિકોના શોષણના વિરોધ સાથે નક્સલવાડીથી જે હિંસાનો દોર શરૂ થયો તે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નક્સલવાદીઓએ રાજકિય કેડરોની હત્યાઓ કરી, સત્તામાં રહેલી સંયુક્ત મોરચાની સરકારે પણ તેમની સામે દમનકારી હિંસક વલણ અપનાવ્યું.
વર્ષ 1971માં સિદ્ધાર્થ શંકર રેના નૈતૃત્વમાં કોંગ્રેસ સત્તામાં આવી ત્યારબાદ રાજકિય હિંસામાં ઘણો વધારો થયો. વર્ષ 1971થી 1977 દરમિયાન કોંગ્રેસ શાસનકાળમાં રાજ્યમાં વિપક્ષનો અવાજ દબાવવા માટે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ જ કારણથી પશ્ચિમ બંગાળમાં 1977ની વિધાનસભા ચૂંટણીથી કોંગ્રેસના પતનની શરૂઆત થઈ. ત્યારબાદ રાજ્યમાં કોંગ્રેસ રાજકિય હાંસિયામાં ધકેલાઈ ગઈ.
વર્ષ 1977ની ચૂંટણીઓમાં ડાબેરીઓએ સત્તા હાંસલ કરી. સત્તા હાંસલ કર્યાં બાદ હિંસા અને અત્યાચારનો સંગઠનાત્મક રીતે રાજકિય હથિયારના સ્વરૂપમાં ઉપયોગ કરવાની શરૂઆત કરી. વર્ષ 1969માં બર્દમાન જિલ્લામાં સેન ભાઈઓની હત્યા કરવામાં આવેલી,જે બંગાળમાં રાજકીય દ્રષ્ટિકોણનો પરિચય આપતી હતી. આ હત્યા બંગાળના રાજકિય ઈતિહાસમાં સેનબાડી હત્યા તરીકે જોવામાં આવે છે. વર્ષ 1977થી 34 વર્ષના ડાબેરી શાસનમાં જેટલો નરસંહાર થયેલો એટલો દેશના અન્ય કોઈ રાજ્યોમાં થયો નથી.
વર્ષ 1979માં જ્યોતિ બસુ સરકારની પોલીસ અને CPM કેડરોએ બાંગ્લાદેશી હિંદુ શરણાર્થીઓ ઉપર જે નિર્દયતાથી ગોળી વરસાવી તેને આજની યુવાપેઢી કદાંચ ભૂલી ગઈ છે. વર્ષ 1982માં CPM કેડર્સે મહાનગરોમાં 17 જેટલા આનંદમાર્ગીઓને જીવતા સળગાવી દીધા હતા. વર્ષ 2000માં બીરભૂમ જિલ્લાના નાનૂરમાં પોલીસે રાજકીય અગ્રણીઓના આધારે બળજબરીપૂર્વક અધિગ્રહણનો વિરોધ કરતા 11 લોકોની હત્યા કરી નાંખી હતી. 14 માર્ચ,2007ના રોજ નંદીગ્રામમાં અધિગ્રહણનો વિરોધ કરનારા 14 જેટલા લોકો માર્યા ગયા હતા.
નંદીગ્રામમાં ટાટા કંપની દ્રારા નેનો પ્રોજેક્ટ માટે કરવામાં આવતી જમીન અધિગ્રહણના ભારે વિરોધના જુવાળ વચ્ચે મમતા બેનર્જીએ 34 વર્ષની ડાબેરી સરકારને હટાવવામાં અને મુખ્યમંત્રીનું પદ હાંસલ કરવામાં સફળતા મેળવી. વર્ષ 2011માં મમતા બેનર્જીના વડપણ હેઠળ તૃણમુલ કોંગ્રેસ સત્તામાં આવી ત્યારબાદ રાજકિય હિંસાનો દોર યથાવત રહ્યો. ડાબેરીઓના કેડરો ધીમે ધીમે તૃણમુલમાં આવી ગયા. એટલે કે પક્ષ બદલ્યો પણ ચહેરો નહીં. અગાઉ જે હિંસક સ્થિતિ કોંગ્રેસ, ડાબેરી અને ટીએમસી વચ્ચે થતી હતી, તે હવે રાજ્યમાં ભાજપ મજબૂત રીતે ઉભરી આવતા નવા પ્રકારથી શરૂ થઈ છે.
મે મહિનામાં પંચાયતોની ચૂંટણીઓમાં અનેક લોકો માર્યા ગયા હતા. જોકે તૃણમુલ કોંગ્રેસે હિંસાનો એમ કહીને બચાવ કર્યો હતો કે લેફટ ફ્રન્ટના શાસનમાં યોજાતી પંચાયતી ચૂંટણીઓમાં પાર્ટીના 400થી વધારે કાર્યકર્તાઓ માર્યા ગયા હતા.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે વર્ષ 2001થી 2011 દરમિયાન 663 રાજકિય હત્યાઓ થઈ હતી. વર્ષ 2016માં બંગાળમાં રાજકિય કારણોથી અથડામણની 91 જેટલી ઘટના બની છે અને 205 લોકો હિંસાનો ભોગ બન્યા. આ અગાઉ વર્ષ 2015માં 131 ઘટનાઓમાં 184 જેટલા લોકોનો ભોગ લેવાયો હતો. વર્ષ 2013માં બંગાળમાં 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. જોકે રાજ્ય સરકારે વર્ષ 2018થી NCRBનો ડેટા આપવાનું બંધ કરી દીધુ છે.
વર્ષ 1997માં ડાબેરી સરકારમાં ગૃહમંત્રી રહી ચુકેલા બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ વિધાનસભામાં માહિતી આપી હતી કે વર્ષ 1977થી 1996 દરમિયાન પશ્ચિમ બંગાળમાં 28,000 લોકો રાજકિય હિંસામાં માર્યા ગયા હતા. આ આંકડા બંગાળમાં હિંસાની સ્થિતિ કેટલી ભયજનક હતી તે દર્શાવે છે.
બંગાળમાં રાજકિય હિંસા કોઈ નવી વાત નથી. 60ના દાયકાની શરૂઆતથી જ બંગાળમાં રાજકિય હિંસા થતી રહી છે. છેલ્લા પાંચ-સાત વર્ષમાં બંગાળમાં રાજકિય અથડામણ પાછળ ત્રણ કારણ જવાબદાર છે- બેરોજગારી, સત્તાધારી પક્ષ સતત પોતાનો અંકૂશ જમાવવાનો પ્રયત્ન અને રાજ્યમાં ભાજપની બની રહેલી મજબૂત સ્થિતિ.
બંગાળમાં ઉદ્યોગ-વ્યવસાયનો અભાવ છે. બીજી બાજુ વસ્તી સતત વધી રહી છે. ફક્ત ખેતીવાડી પર આધાર રાખી શકાય તેમ નથી. આ સંજોગોમાં બેરોજગાર યુવકો આવક માટે રાજકારણમાં જોડાય છે, જેથી સ્થાનિક સ્તરે થતા કાર્યોના કોન્ટ્રેક્ટ મેળવી શકે. સ્થાનિક સ્તર પર જે ખંડણી કે વસુલાત થાય છે તે પણ આવકનું માધ્યમ છે. આ સંજોગોમાં ઉમેદવારો ગમે તે ભોગે ચૂંટણીમાં જીત મેળવવા ઈચ્છે છે. આ માટે હિંસાનો માર્ગ પણ અપનાવવામાં આવે છે.
રાજ્યમાં વર્ષ 2018માં સ્થાનિક ચૂંટણીઓમાં ભારે હિંસા બાદ સતત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં લઈ અવાર-નવાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની શક્યતા પર વિચારણા થતી હતી. હવે જ્યારે વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ગયા બાદ પણ જો રાજકિય હિંસાનો દોર યથાવત રહેશે તો મોદી સરકાર માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો માર્ગ મોકળો થઈ શકે છે.