જામનગર શહેરમાં થોડા દિવસ અગાઉ નવ લાખની હોમલોનનું દોઢ લાખમાં સેટલમેન્ટ મામલે કર્મચારીને માર મારી લેપટોપ તોડી નાખ્યાની ફરિયાદનો ખાર રાખી એક શખસે ઓફિસે આવીને કર્મચારીને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં લાલબંગલા પાસે સ્વસ્તિક એવન્યુમાં આવેલી ઈન્ડિયા સેલ્ટર ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ નામની કંપનીમાંથી લીધેલી હોમલોનમાં 9.17 લાખની બાકી લોનનું દોઢ લાખમાં સેટલમેન્ટ કરવા ઓફિસમાં આવેલા બે શખ્સોએ કર્મચારી ધવલને માર મારી લેપટોપ તોડી નાખ્યાના બનાવમાં પોલીસ ફરિયાદ થઈ હતી. આ પોલીસ ફરિયાદનો ખાર રાખી બુધવારે સવારના સમયે દિવ્યરાજસિંહ જાડેજા નામના શખ્સે ઓફિસમાં આવી ગુલાબનગરથી કોણ આવેલ છે ? તેથી હાર્દિક કાથડભાઈ લૈયા નામના કર્મચારીએ હું આવ્યો છું. તેમ જણાવતા દિવ્યરાજસિંહએ ‘તે કોને પુછીને આ ઓફિસ ખોલી છે ? તેમ કહી ગાળો કાઢી હતી અને આજ પછી આ ઓફિસ ખોલીશ તો તને પતાવી દઇશ’ તેવી ધમકી આપી હતી. બાદમાં હાર્દિકભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે દિવ્યરાજસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.