જામનગર શહેરના સેન્ટ્રલ બેંક રોડ પર આવેલા કોઠારીના ડેલામાં રહેતાં વૃદ્ધાને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન મકાનમાં તલાસી લેતા રૂા.10500 ની કિંમતનો 1 કિલો 50 ગ્રામ ગાંજાનો જથ્થો અને રોકડ તથા મોબાઇલ મળી કુલ રૂા.1,97,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વૃદ્ધાના પતિની શોધખોળ આરંભી હતી.
સંવેદનશીલ દરિયાકિનારો ધરાવતા હાલારમાંથી અવાર-નવાર નશીલા પદાર્થની હેરાફેરી અને વેંચાણ કરાતું હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. છેલ્લાં થોડા સમય દરમિયાન દ્વારકા અને જામનગરમાંથી પોલીસ વિભાગ તથા સુરક્ષા એજન્સીઓએ કરોડોની કિંમતના નશીલા પદાર્થ ઝડપી લીધાની ઘટનાઓ બની ગઈ છે. ઉપરાંત જામનગર જિલ્લામાં પણ છેલ્લાં એક માસથી ગાંજાનું વેંચાણ કરાતા સ્થળે પોલીસે દરોડો પાડયાની આજે ત્રીજી ઘટનાની વિગત મુજબ જામનગર શહેરના સેન્ટ્ર બેંક રોડ પર આવેા કોઠારીના ડેલામાં રહેતું વૃદ્ધ દંપતી તેના ઘરમાં બહારથી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો લઇ આવી વેંચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, મહેન્દ્રભાઈ પરમાર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.
પોલીસે રેઈડ દરમિયાન હર્ષિદાબેન રાજેશ વ્યાસ નામના વૃદ્ધાના મકાનમાંથી તલાસી લેતા રૂા.10,500 ની કિંમતનો એક કિલો 50 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો અને રૂા.1,81,600 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ ફોન તથા રૂા.100 ની કિંમતનો વજનકાંટો મળી કુલ રૂા.1,97,200 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે વૃધ્ધાની ધરપકડ કરી હતી. જ્યારે હાજર નહીં મળેલા રાજેશ શિવશંકર વ્યાસ નામના વૃદ્ધની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં. વૃદ્ધ દંપતી વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.