દેશના અનેક ભાગોમાં વારંવાર હવામાનપલ્ટાની સ્થિતિનો દોર હોય તેમ વધુ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ તથા લો-પ્રેસર સર્જાતા મંગળવારથી ફરી હવામાન પલ્ટાની હાલત સર્જાવાની શકયતા છે. હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે શ્રીલંકાના દરિયાકાંઠાથી દુર દક્ષિણ-પશ્ર્ચિમી ખાડીમાં હળવુ દબાણ તથા નવા લો-પ્રેસરની અસરે તામીલનાડુમાં ભારે વરસાદ થવાની શકયતા છે જયારે 5થી 7 જાન્યુઆરી દરમ્યાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉતરીય રાજસ્થાન તથા પશ્ચિમી ઉતરપ્રદેશમાં હળવો-ભારે વરસાદ થવાની શકયતા છે.
પાટનગર દિલ્હીમાં કોલ્ડવેવની હાલત સર્જાયેલી છે. 4 થી7 જાન્યુઆરી દરમ્યાન જમ્મુ-કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ તથા હિમવર્ષા થવાની શકયતા છે. રીપોર્ટમાં એમ કહેવાયું છે કે નવુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ તથા તેને સંલગ્ન સાયકલોનિક સરકયુલેશન 4 જાન્યુઆરીથી ઉતર-પશ્ર્ચિમી ભારતીય ક્ષેત્રો પર પ્રભાવ સર્જાશે તેની અસર હેઠળ મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન તથા ગુજરાતમાં પણ હવામાન પલ્ટા સાથે માવઠા-હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે પવન પલ્ટાયો છે. દક્ષિણ-પુર્વ દિશાના પવન હવે ઉતરપશ્ર્ચીમી થઈ ગયા છે પરિણામે મેદાની ભાગોમાં બર્ફિલા પવન સાથે ઠંડીનો પ્રકોપ છે. આવતા બે દિવસ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચીમી ઉતરપ્રદેશ તથા રાજસ્થાનમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે.