જામનગર શહેર અને જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો માટે આગામી 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એસ.એસ.ટી.ની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં વાહનોનું ચેકિંગ અને રોકડની હેરાફેરી ઉપર વોચ રાખી કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન આ ટીમે જામનગર તાલુકાના ફલ્લા નજીકથી ગત રાત્રિના સમયે પસાર થતી રાજકોટ પાસીંગની કારમાંથી રૂા.6 લાખની રોકડ મળી આવતા તપાસ આરંભી હતી.
2022 ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર શહેર અને જિલ્લાની પાંચ બેઠકો ઉપરની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે તેમજ મુખ્ય પ્રવેશદ્વારો પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ચૂંટણી સંદર્ભે એસ.એસ.ટી.ની ટીમે શુક્રવારની રાત્રિના સમયે જામનગર તાલુકાના ફલ્લા નજીકથી પસાર થતી જીજે-03-જેસી-6206 નંબરની કાર પસાર થતા તેને આંતરીને ચાલકની તલાસી લેતા તેમની પાસેથી રૂા.6 લાખ જેટલી રોકડ રકમ મળી આવતા એસ.એસ.ટી.ની ટીમે આ રોકડ તીજોરી કચેરીમાં જમા કરાવવા અને આટલી મોટી રકમ કયા ઉપયોગ માટે હેરાફેરી કરવામાં આવી રહી છે ? તે અંગેની તપાસ આરંભી હતી. વિધાનસભા ચૂંટણી દરમિયાન બે-ત્રણ દિવસ અગાઉ જ રાજકોટ પાસીંગની એક કારમાંથી 24 લાખની માતબર રકમ મળી આવી હતી અને હાલ કારમાંથી છ લાખની રોકડ મળી આવી છે. આમ એસ.એસ.ટી.ની ટીમે જામનગરની જુદી જુદી બે કારમાંથી રૂા.30 લાખની રોકડ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.