જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામની સીમમાં રહેતો મેર પરિવાર ગત ફેબ્રુઆરી માસમાં નિંદ્રાધિન હતો તે દરમિયાન ત્રાટકેલી ધાડપાડુ ગેંગે પરિવારજનો ઉપર હુમલો કરી રોકડ રકમ અને દાગીના તથા કાર મળી કુલ રૂા.8.65 લાખની ધાડ-લૂંટના બનાવમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં. આ પ્રકરણમાં પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂા.5,45,400 ની માલમતા કબ્જે કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખોજાબેરાજાની સીમમાં રહેતા રામ વિક્રમભાઈ ઓડેદરા નામના મેર યુવાનનો પરિવાર ગત તા. 21 ફેબ્રુઆરીની રાત્રિના સમયે નિંદ્રાધિન હતાં તે દરમિયાન તેના ખેતરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી અને મેર યુવાન અને તેના પરિવાર ઉપર હુમલો કરી રૂમમાં પુરી દઈ દોઢ લાખની રોકડ રકમ અને 16 તોલાના સોનાના દાગીના અને બે મોબાઇલ તથા જીજે-10-બીઆર-0407 નંબરની આઈ-20 કાર મળી કુલ રૂા.8,62,000 ની લૂંટ ચલાવી નાશી ગયા હતાં. લૂંટ અને ધાડના આ બનાવમાં જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને પંચ બી પોલીસ સ્ટાફ દ્વારા ધાડપાડુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયાં હતાં. આ ઘટનામાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે મધ્યપ્રદેશના જ્ઞાનસિંગ બનસિંહ દેવકા, કેરમસિંહ ઉર્ફે બાજડો કેલસીંગ અલાવા, ભીલુભાઈ ઉર્ફે બીલુ પ્યાલસિંગ અને દિનેશ રમણ મીનાવા નામના ચાર શખ્સોને દબોચી લઇ રિમાન્ડ મેળવી જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં.
ત્યારબાદ આ પ્રકરણમાં નાસતા ફરતા ભવાન રાયસીંગ વસુનિયા નામના શખ્સને ઝડપી લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીએસઆઈ સી.એમ.કાંટેલિયા તથા સ્ટાફે આ પ્રકરણમાં ધાડપાડુઓએ ધાડમાં લીધેલા સોનાના દાગીના જે શખ્સને આપ્યા હતાં તે અંગેની બાતમી મળતા પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ કે.કે. ગોહિલ, આર.બી. ગોજિયા, બી.એમ. દેવમુરારી, સી.એમ. કાંટેલિયા તથા પંચ બી પોલીસ સ્ટેશનના હેકો કરણસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ જાડેજા, સુરેશ ડાંગર તથા પો.કો. પુષ્પરાજસિંહ જાડેજા, સુમિત શિયાળ, મયુરસિંહ જાડેજા, હેકો હિતેન્દ્રસિંહ ચુડાસમા અને એલસીબીની ટીમે પાવાગઢ પાસેથી ક્રિષ્ના ઉર્ફે પપ્પુ માંગીલાલ ડાવર નામના આદિવાસી શખ્સની ધરપકડ કરી તેના કબ્જામાંથી મંગલસુત્ર, બે ચેઈન અને એક વીટી સહિત નવ તોલાના રૂા.3,07,400 અને 86 હજારની રોકડ રકમ તથા લૂંટ કરાયેલી કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.5,45,400 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.