જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતાં પશુ ડોકટર વાડી વિસ્તારમાં ભેંસની સારવાર કરવા ગયા હતાં તે દરમિયાન એકાએક ચક્કર આવતા બેશુદ્ધ થઈ જતાં યુવાન તબીબનું મોત નિપજ્યું હતું. જામનગરના ગાયત્રીનગર વિસ્તારમાં પત્ની સાથે વાહનમાં જતાં પ્રૌઢને હાર્ટએટેકનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જામનગર સહિત સમગ્ર દેશમાં છેલ્લાં ઘણાં સમયથી બાળકો અને યુવાનોમાં હાર્ટએટેકના હુમલામાં મોત નિપજવાની ઘટના સતત ચિંતાજનક રીતે વધી રહી છે. હાર્ટએટેકના બનાવમાં મોત નિપજવાની ઘટના કોરોનાકાળ પછી વધી રહી હોવાનું સર્વેમાં જાહેર થયું છે. ત્યારે જામનગર જિલ્લામાં વધુ બે વ્યક્તિઓના હાર્ટએટેકથી મોત નિપજયા છે જેમાં પ્રથમ ઘટના જામનગર તાલુકાના અલિયા ગામમાં જૈન દૈરાસર સામે રહેતાં રીધ્ધમભાઈ રમેશભાઈ કાસુન્દ્રા નામના પશુ ડોકટર યુવક રવિવારે સવારના 11 વાગ્યાના અરસામાં અલિયા ગામની સીમમાં આવેલી રવિભાઈ કાસુન્દ્રાના ખેતરમાં ભેંસની સારવાર માટે ગયા હતાં તે દરમિયાન એકાએક ચકકર આવતા બેશુદ્ધ થઈ જતાં જાંબુડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું હાર્ટએટેકથી મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કરતાં પરિવારમાં અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગેની મૃતકના પિતા રમેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.જે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં ગાયત્રીનગર શેરી નં.2 માં રહેતાં રાજુભાઈ પ્રેમજીભાઈ ગોહિલ (ઉ.વ.52) નામના આધેડ રવિવારે સવારના સમયે તેના પત્ની સાથે વાહનમાં જતાં હતાં તે દરમિયાન એકાએક હાર્ટએટેકનો હુમલો આવતા રાજુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સચિન દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.