ખંભાળિયા શહેરમાં સુપર માર્કેટ વિસ્તાર નજીક આજરોજ બપોરે બે આખલાઓ વચ્ચેના યુદ્ધે ઘમાસાણ મચાવતા નજીકથી પસાર થતી મોટરસાયકલ પર સવાર પરિવારને આખલાની ઢિંકે ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઉપરાંત મોટરસાયકલ તેમજ નજીક રહેલી એક મોટરકારને પણ નુકશાની થવા પામી હતી.
આ પછી સુપર માર્કેટના વેપારીઓ દ્વારા એકઠા થઈ, આખલાઓને છુટા પાડવામાં આવ્યા હતા. આ આખલા યુદ્ધના કારણે થોડો સમય આ વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો.
શહેરના વધતા જતા રખડુ ઢોરના ત્રાસથી અગાઉ પણ અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ ઉપરાંત કેટલાક ચોક્કસ વિસ્તારોમાં શેરીના રખડુ કુતરાઓનો આતંક પણ શિરદર્દ સમાન હોવાથી તંત્ર દ્વારા આ મહત્વના મુદ્દે તાત્કાલિક પગલાં લઈ, આખલાઓને પાંજરે પૂરવા સહિતની કામગીરી કરવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.