જામનગર તાલુકાની આંગણવાડીઓમાં ફરજ બજાવતી મહિલાઓ સુપરવાઈઝરના માનસિક ત્રાસથી કંટાળી ગયા હતા અને આ મામલે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. તેમજ સિકકાની આંગણવાડીમાં કામ કરતાં મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિકકા ગામમાં આવેલી 187 નંબરની આંગણવાડીમાં ફરજ બજાવતા લીલાબેન નાથાભાઇ પરમાર નામના મહિલાએ તાજેતરમાં જ એક બાળકને જન્મ આપ્યો હતો. તેના ચાર-પાંચ દિવસ બાદ જ મહિલાનું મોત નિપજયું હતું. મહિલાનું મોત સુપરવાઈઝર દ્વારા સતત અપાતા માનસિક ત્રાસના કારણે કામના ભારણથી થયાના આક્ષેપ સાથે આંગણવાડી મહિલાઓ દ્વારા સીડીપીઓ ગ્રામ્ય ઘટક (2)ને સુપરવાઈઝર વિરૂઘ્ધ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. વધુમાં મળતી વિગત મુજબ સુપરવાઈઝર મુખ્ય સેવિકા ભાનુબેન જાદવ દ્વારા આંગણવાડીની મહિલાઓને ત્રાસ આપવામાં આવતો હતો. લીલાબેનએ ગર્ભાવસ્થા માટેની રજાની માંગણી કરી હોવા છતાં રજા ન મળી હતી અને તેઓ છેક સુધી ફરજમાં રહ્યાં હતા.


