ગુજરાત સરકાર દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને તેને સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે આંગણવાડી કેન્દ્રોની રચના કરવામાં આવી છે. ‘સંકલિત બાળ વિકાસ સેવા કાર્યક્રમ’ ના ભાગરૂપે વર્ષ 1975 માં ભારત સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્ર સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવા શરુ કરવા સામે એક લક્ષ્યાંક રહેલો છે, તે છે બાળકોમાં જોવા મળતા કુપોષણ સામે લડવું.. જામનગર જિલ્લાના આંગણવાડી કેન્દ્રો દ્વારા અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે.
ધ્રોલ તાલુકાના લતીપર સેજાના ખારવા ગામમાં 4 વર્ષીય બાળકી રુહી પરમાર રહે છે. પ્રિ સ્કૂલ એજ્યુકેશન ઈન્સ્ટ્રકટર કિરણબા જાડેજા અને આંગણવાડી કાર્યકર ભાવનાબેન દ્વારા બાળકીના ઘરે તેમના વાલીની મુલાકાત લેવામાં આવી હતી. રુહીના વાલીને આંગણવાડી કેન્દ્રમાં ચાલતા બાળ વિકાસલક્ષી શિક્ષણ વિષે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી, અને તેમને રૂહીને નિયમિતપણે અભ્યાસ અર્થે મોકલવા માટે સમજાવ્યા હતા.
રુહીને ‘મમતા દિવસ’ના રોજ આંગણવાડી કેન્દ્ર માણેકપર કોડ નં. 20 માં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. રાષ્ટ્રિય બાળ સુરક્ષા કાર્યક્રમની ડોક્ટર્સની મેડિકલ ટીમ દ્વારા તેણીનું ચેકઅપ કરીને રીફર કરાવવામાં આવી હતી. અને સુરતની મહાવીર હોસ્પિટલમાં ‘માં અમૃતમ કાર્ડ યોજના’ હેઠળ હૃદયનું ઓપરેશન કરાવ્યા બાદ તેણી સંપૂર્ણ સ્વસ્થ થઇ છે.
હવે રુહીના માતા પિતા તેણીને દરરોજ આંગણવાડી પર અભ્યાસ માટે મોકલે છે. તેણી આંગણવાડીના અન્ય બાળકો સાથે નવી- નવી પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લે છે. આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા અને આંગણવાડી વિભાગના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી રૂહીના જીવનમાં નવો દોરીસંચાર જોવા મળ્યો છે.