ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી વેટલિફ્ટર મીરાબાઇ ચાનૂના જીવન પર એક મણિપુરી ફિલ્મ બનશે. આ અંગે શનિવારે ચાનૂ અને ઇમ્ફાલના સેઉતી ફિલ્મ્સ પ્રોડક્શન્સ વચ્ચે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નોંગપોક કાકચિંગ ગાંવ સ્થિત તેના આવાસ પર એક કરાર પર હસ્તાક્ષર થયા.
નિર્માણ કંપનીના અધ્યક્ષ મનાઓબી એમ એમ દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, આ ફિલ્મને અંગ્રેજી અને વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.
મનાઓબી અનુસાર, તેઓ એક એવી યુવતીને શોધશે, જે મીરાબઇ ચાનૂનો પાત્ર ભજવી શકતી હોય. તે દેખાવમાં પણ તેના જેવી હોય. જે બાદ તેને ચાનૂની જીવનશૈલી અંગે પ્રશિક્ષિત કરાશે. શૂટિંગ શરૂ થવામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગશે.