જામનગર નજીક લાલપુર ચોકડી પાસે ગઇકાલે સવારના સમયે બાઇક પર જતાં દંપતિને પાછળથી ચાલુ ફોને આવી રહેલા અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી હડફેટે લેતાં અકસ્માતમાં મહિલાનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર જંગલીપીર વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઇ નકુમ નામના યુવાન તેના પત્ની સાથે તેમના જીજે10-સીકયુ-1575 નંબરના બાઇક પર બુધવારે સવારે જામનગર બાયપાસ પાસે લાલપુર ચોકડી પરથી પસાર થતા હતા ત્યારે પાછળથી ચાલુ ફોને આવી રહેલા અજાણ્યા વાહનચાલકે દંપતિના બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં પતિ-પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત દંપતિને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર નવિનભાઇ દ્વારા જાણ કરાતા એએસાઇ એમ. એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી, પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


