ચીનનું શક્તિશાળી રોકેટ પૃથ્વીના કોઈ પણ સ્થળે 8મી મેના રોજ ત્રાટકે તેવી ભીતિ છે. ચીને આ અંગે કોઈ જ ટીપ્પણી કરી ન હતી, પરંતુ જો વધુ વસતિ ધરાવતા કોઈ શહેર પર આ રોકેટ ત્રાટકશે તો મોટી જાનહાનિ થશે એવું નિષ્ણાતોએ કહ્યું હતું.ચીનનું રોકેટ અંતરિક્ષમાં બેકાબૂ બની ગયું હતું. એ પછી રોકેટ કોઈપણ સ્થળે ગમે ત્યારે ત્રાટકે તેવી શક્યતા છે.
ગયા સપ્તાહે ચીને તેનું સ્પેસ સ્ટેશન બનાવવા માટે પહેલું મોડયુલ લોંચ કર્યું હતું. રોકેટને સમુદ્રમાં નક્કી કરેલી જગ્યાએ ધ્વસ્ત કરવાનું હતું, પરંતુ તેના પર કાબૂ રહ્યો ન હતો. અનિયંત્રિત થયેલું રોકેટ અત્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે અને 8મી મેના રોજ પૃથ્વી પર ત્રાટકશે. તેનું વજન લગભગ બે ટન જેટલું છે. તે પૃથ્વીના તાપમાનમાં પહોંચશે ત્યારે મોટાભાગે ઘણો હિસ્સો બળીને ખાક થાય તેવી શક્યતા છે. તે સિવાયના હિસ્સો પૃથ્વીના કોઈ હિસ્સામાં પડશે. યુરોપિયન સ્પેસ એજન્સીના વડા હોલ્ગર ક્રેગના કહેવા પ્રમાણે આમ તો પૃથ્વીનો મોટો હિસ્સો સાગરથી ઘેરાયેલો હોવાથી એવા જ કોઈ સ્થળે રોકેટ પડે તેવી આશા રાખીએ. તેમ છતાં અત્યારે જે રીતે રોકેટની સ્થિતિ છે, તે જોતાં ન્યૂયોર્ક, મેડ્રિડ, પેઈચિંગ, વેલિંગ્ટન જેવા શહેરો પર આ રોકેટ ત્રાટકી શકે છે. સૌથી વધુ ખતરો ન્યૂયોર્ક પર મંડરાઈ રહ્યો છે. એ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું હતું, પરંતુ ચીને તે અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ ઘટનાને ખૂબ જ સાધારણ ગણાવીને કહ્યું હતું કે બીજા દેશોના રોકેટ પણ આ જ રીતે પૃથ્વી પર ત્રાટકતા હોય છે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને એ ખાક થઈ જશે એટલે ચિંતાનું કોઈ કારણ નથી.